હાજીપીર રોડ પહોળો કરવાની માંગ સાથે ચક્કાજામ

2,555

નખત્રાણા : કચ્છની રણકાંધીએ આવેલ હઝરત હાજીપીર બાબાની દરગાહ જયાં તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર વર્ષે ચૈત્ર માસમાં હાજીપીર બાબાનો ઉર્ષ યોજાય છે. આ ઉર્ષમાં કચ્છ, કાઠીયાવાળ તેમજ મુંબઈ મહારાષ્ટ્ર થી લાખોની સંખ્યામાં તમામ ધર્મના લોકો અહિં આવે છે જેથી અહિં વાહનોની અવરજવર રહે છે. તેમજ આ વિસ્તારમાં થોડા સમયથી કંપનીઓ પ્રસ્થાપિત થતા અહિં ભારે વાહનો અવર જવર અને ઓવરલોડના કારણે રોડની હાલત દયનીય થઈ ગઈ છે. આ બાબતે સામાજિક આગેવાનો, સંસ્થાઓ તથા વિસ્તારના આગેવાનો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે કે રોડને સીંગલ પટરીમાંથી પહોળો કરી ડબલ રોડ નવેસરથી બનાવવામાં આવે જેથી ભારે વાહનોની અવરજવરના કારણે સ્થાનિકોએ થઈ રહેલ હાલાકી અટકાવી શકાય. આ બાબતે આજે સામાજિક કાર્યકર જબ્બાર જત તેમજ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો તથા ગ્રામજનોની હાજરીમાં હાજીપીર ફાટક પર ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો. આ સંદર્ભે જબ્બાર જત સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તંત્રને અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવા છતા આ સમસ્યાનો આજ દિવસ સુધી કોઈ નિવેળો આવ્યો નથી. જે બાબતે તંત્ર સામે વિરોધ નોંધાવવા આજે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક આગેવાનો તથા આસપાસની ગ્રામ પંચાયતના સરપંચો સાથે રહયા હતા. તેમજ આ વિરોધ કાર્યક્રમની પશ્ચિમ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ અર્જુનસિંહ જાડેજાએ પણ મુલાકાત લીધી હતી. જો કે હાજીપીર દરગાહને પ્રવાસન ધામમાં સમાવેશ કરવા પણ અગાઉ રાજકીય અને સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે. તેમજ મુસ્લિમ ધર્મ સ્થાન હોવાથી સરકાર દ્વારા વિકાસમાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ પણ અનેક વખત થયા છે. પણ કોઈ યોગ્ય નિર્ણય સરકાર કે તંત્રએ લીધો નથી.

Get real time updates directly on you device, subscribe now.