લ્યો બોલો… કચ્છ VHPના પોસ્ટરમાં ભુજના ત્રણ મુસ્લિમ કાઉન્સિલરોને સન્માનીય સ્થાન..!
ભુજ : જેમ જેમ લોકસભા ચુંટણી નજીક આવતી જાય છે તેમ લોકોમાં ઉન્માદ જણાવવા વિવિધ મુદાઓને હવા અપાઈ રહી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી એએચપી અને વીએચપી વચ્ચે છાપો પોસ્ટર વોર ચાલ્યા બાદ આજે અંજારના ટાઉન હોલ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની સભા યોજાઇ હતી. જેની સફળતાનો દાવો થઈ રહ્યો છે. તો બીજી તરફ હિન્દુત્વ મુદે જુના જોગી એવા પ્રવિણ તોગડિયા પણ ભુજમાં શકિત પ્રદર્શન કરવાના છે. રામ મંદિર નિર્માણની ઝુંબેશ મુદે એકમત, પરંતુ રાજકીય રીતે પરસ્પર ગળાકાપ હરીફાઈ કરતા એએચપી- વીએચપીના કચ્છમાં બળાબળના પારખા વચ્ચે ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના એક પોસ્ટરે લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ કચ્છની રામ જન્મભૂમિ ઝુંબેશના મહાકાય પોસ્ટરમાં ભુજના ત્રણ મુસ્લિમ કાઉન્સિલરો કાસમ કુંભાર (ધાલાભાઇ), રજાક માંજોઠી અને અલીખાન બલોચના ફોટા જોવા મળતા અચરજ ફેલાયું છે. આ મુદે સોશ્યલ મીડિયામાં જોરદાર ચર્ચા છેડાઇ છે. મુસ્લિમ કાઉન્સિલરોના ફોટા કચ્છ વીએચપીના પોસ્ટમાં કેવી રીતે છપાયા એ વાત કોઈને ગળે ઉતરતી નથી. કારણકે કટ્ટર હિન્દુત્વ મુદે કેટલાક કિસ્સાઓમાં સામાજિક બહિષ્કારનું આહવાન કરનાર કચ્છ વીએચપીના પોસ્ટરમાં મુસ્લિમ કાઉન્સિલરોને ઉપરની હરોળમાં અને નીચેની હરોળમાં અન્ય કાઉન્સિલરોને સ્થાન અપાતા જોનાર લોકો એક તબક્કે આંચકો અનુભવે છે. જો કે સોશ્યલ મીડિયામાં હાલમાં ભારે ચર્ચાનો વિષય બનેલા રામ મંદિરના આ પોસ્ટરમાં મુસ્લિમ કાઉન્સિલરોના સન્માનીય સ્થાન મુદે કચ્છ વીએચપીએ અત્યાર સુધી કોઈ જાહેર ખુલાસો કર્યો નથી. તોત્રણેય મુસ્લિમ કાઉન્સિલરોએ પણ મૌન રહેવાનું પસંદ કર્યું છે.