લોરીયા ખાતે થયેલો ઝઘડો અંગત તકરાર, સામાજીક રંગ ન આપવા અનુરોધ કરાયો
બે દિવસ પહેલા લોરીયા ગામે જૂની અદાવતમાં થયેલી મારામારી બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર તકરાર અંગત હોવાનું અને તેને કોઈ સમાજ કે જ્ઞાતિ સાથે સાંકળીને ન જોવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોરીયા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અભેરાજસિંહ ખાનજી જાડેજાએ સમગ્ર મામલે ટેલિફોનિક વાતચિત કરીને જણાવ્યું હતું કે લોરીયા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સમગ્ર પાવરપટ્ટી વિસ્તારમાં સામાજીક સૌહાર્દ,સામાજીક સમરસતા હોય કે કોમી એકતાની બાબત હોય, હંમેશા હકારાત્મક રીતે અગ્રણી ભૂમિકા ભજવતા આવ્યા છે.તાજેતરમાં લોરીયા નજીક ઘટેલી ઘટના એકલ દોકલ વ્યક્તિઓનું કૃત્ય છે, જેને કોઈ જ્ઞાતિ કે સમાજ સાથે લેવા દેવા નથી.આ સમગ્ર મામલે ભૂતકાળમાં સમાધાન થઈ ગયેલ છે અને હજુ પણ સમાધાન માટે વિવિધ સમાજના આગેવાનો સક્રિય છે ત્યારે આ મામલાને જ્ઞાતિ,કે સમાજ સાથે જોડીને ન જોવા તેમણે અનુરોધ કર્યો હતો.આ સમગ્ર વિસ્તારમાં સામાજીક એકતા ટકાવી રાખવા લોરીયાના રાજપૂત ક્ષત્રિય આગેવાનો કટિબધ્ધ હોવાનું અભેરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે નવરાત્રિ સમયે થયેલા ઝઘડા બાદ સમાધાન થઈ ગયું હતું પરંતું તાજેતરમાં ફરી મારામારીની ઘટના બનતા રાજપૂત ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી અભેરાજસિંહ ખાનજી જાડેજાએ આ તકરાર અંગત હોવાનું અને તેને જાતિવાદી રંગ ન આપવા અનુરોધ કર્યો હતો.