પોસ્ટર વિવાદ : કચ્છ વીએચપી અને મુસ્લિમ કાઉન્સીલરો પર રાજકીય દાવ ખેલાઈ ગયો?
ભુજ : છેલ્લા બે દિવસથી ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના નામથી ભુજમાં લાગેલા એક પોસ્ટરમાં ભુજ નગર પાલિકાના ત્રણ મુસ્લિમ કાઉન્સીલરોના ફોટા જોવા મળતા સોશ્યલ મીડીયામાં હોબાળો મચતા અંતે ફરીથી સોશ્યલ મીડીયામાં ખુલાસાઓનો દોર શરૂ થયો છે.કચ્છ વીએચપી અને ત્રણેય મુસ્લિમ કાઉન્સીલરોના સોશ્યલ મીડીયામાં ફરી રહેલા જાહેર ખુલાસાઓ જોતા આ સમગ્ર પ્રકરણમાં બંને પક્ષો પર ત્રીજા પરિબળે દાવ ખેલી પાડ્યો હોવાની ચર્ચા છેડાઈ છે.વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ ઓડિયો ક્લીપ દ્વારા ભારે ચગેલા એ પોસ્ટર અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે એ પોસ્ટર શ્રી રામ જન્મભૂમિ આંદોલનને શુભેચ્છા માત્ર હતી, શુભેચ્છા કોણ આપે છે તેનાથી વીએચપી ને કશું લાગતું વળગતું નથી.બીજી તરફ સોશ્યલ મીડીયામાં મુસ્લિમ સમાજનો રોષ વેઠનાર ત્રણેય કાઉન્સીલરો કાસમ કુંભાર, અલીખાન બલોચ અને રજાક માંજોઠીના નામથી પણ જાહેર ખુલાસો સોશ્યલ મીડીયામાં ફરી રહ્યો છે, જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે અમારી સહમતી વિના એ પોસ્ટરમાં અમારા ફોટા લગાડાયા છે.વીએચપી અને મુસ્લિમ કાઉન્સીલરોના જાહેર ખુલાસા જોતા પ્રશ્ન ઉઠી રહ્યો છે કે…તો પછી આ દાવ ખેલ્યો કોણે? બંને પક્ષોને બચાવની સ્થિતિમાં મૂકી દેનાર પોસ્ટર વિવાદમાં ત્રણ મુસ્લિમ નગરસેવકો અને કચ્છ વીએચપી પર રાજકીય દાવ ખેલાયા પાછળ ભાજપનો આંતરિક જુથવાદ તો નિમિત્ત નથી બન્યુ ને ? તેવી ચર્ચાએ જોર પકડયું છે.