જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ નિયતીબેન પોકારના હિન્દુત્વના સ્ટંટ સામે ભાજપ કાર્યકરોએ જ ખોલ્યો “મોરચો”
ભુજ : આગામી લોકસભા ચુંટણીને લઈને કચ્છમાં અવનવા ચહેરા લોકો સામે આવી રહ્યા છે.દરેક ચહેરો પોતાની નવી થીયરી સાથે રાજકીય બજારમાં ફરે છે અને સમયના વહેણ સાથે ભૂલાઈ જાય છે.આગામી ચુંટણીમાં પોતાની છાવણીમાં લોકોનો જમાવડો કરવા ગમે તે પદ પર બેઠેલા લોકો ગમે તેવા નિવેદનો બાંફતા જાય છે અને કચ્છની શાણી પ્રજા અંદરો અંદર આ નેતાઓ પર હસી રહી છે.આગામી લોકસભા ચુંટણીમાં હિન્દુત્વનો કાર્ડ ખેલવા આમપણ દિવસ રાત મહેનત કરી રહ્યા છે, તેવામાં કચ્છ ભાજપના મહિલા અગ્રણી અને જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ નિયતીબેન પોકારે સ્થાનિક રાજકારણમાં એક નવો તડકો પીરસી દેતા સૌ આશ્ચર્ય ચકિત થઈ ગયા છે.જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ નિયતીબેન પોકારને કચ્છ ભાજપનું જ એક જૂથ હિન્દુત્વના ચહેરા તરીકે આગળ ધરવા ઈચ્છી રહ્યું હોવાથી એક સામાજીક પ્રસંગના મંચ પર રાજકીય સભાને શરમાવે તેવા આગ ઝરતા નિવેદનો કરાવી, જાહેર સમર્થન આપી નિયતીબેને હિન્દુત્વનું સ્ટંટ કર્યું હોવાની ચર્ચા રાજકીય આલમમાં છેડાઈ છે.સોશ્યલ મીડીયામાં નિતનવી ચર્ચાઓ જગાડનાર ઉશ્કેરણી જનક વિડીયો મામલે ફરીયાદ નોંધાવવા સૌથી પહેલા ભાજપના જ કાર્યકરો આગળ આવ્યા છે.ભુજ તાલુકા ભાજપ લઘુમતિ મોરચાના ઉપ પ્રમુખ ઈકબાલ ચાકીએ નિયતીબેન પોકાર સહિત છ જણા સામે પોલીસ ફરીયાદ દાખલ કરવાની માગ કરી છે.ખુદ ભાજપના જ કાર્યકરોની ફરીયાદ અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રા સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપતા સામાજીક રીતે થયેલા હોબાળા બાદ નિયતીબેન પોકારે કરેલું હિન્દુત્વનું સ્ટંટ ફળવાના બદલે તેમને નડી શકે છે.કારણ કે જીલ્લા પંચાયતમાં આ મુદ્દે લડત ચાલે તો બંધારણીય રીતે ચુંટાયેલા નિયતીબેન પોકાર માટે કાયદાકીય મુસીબત ઉભી થઈ શકે છે.
વિચારીને બોલવું જોઈએ: વી.કે.હુંબલ
નિયતીબેન પોકારના વાયરલ થયેલા વિવાદિત વિડીયો અંગે જીલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે.હુંબલે જણાવ્યું હતું કે કોઈપણ સમાજના જવાબદાર આગેવાનોએ વિચારીને બોલવું જોઈએ અને સમાજ-સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ.