વિધાનસભા ટાણે કોંગ્રેસની નૈયા ડુબાડ નારાઓને જ સતાવે છે કોંગ્રેસની ચિંતા
ભુજ : પ્રદેશ કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા નવા માળખા બાદ કચ્છ કોંગ્રેસમાં શરૂ થયેલી ખેંચતાણ હજુ માંડ માંડ શમી જ હતી ત્યાં પક્ષના જીલ્લાના નવા સંગઠનની જાહેરાત પછી ફરીથી કોંગ્રેસીઓએ જાણે આંતરિક યુધ્ધ છેડયું હોય તેમ એક પછી એક ધૂરંધર મેદાનમાં આવી રહ્યા છે.કચ્છ છેલ્લા એકાદ અઠવાડીયાથી કચ્છ કોંગ્રેસના વિખવાદી અખાડામાં ઉતરનાર ધૂરંધરો એક સમાન મુદ્દો વાગોળી રહ્યા છે.નવા સંગઠન માળખાથી અસંતુષ્ટ તમામ કોંગ્રેસીઓ મોઘમમાં એક બીજા પર પક્ષ વિરોધી પ્રવૃતિઓના આક્ષેપ કરી રહ્યા છે અને ખૂદને કોંગ્રેસના સાચા સિપાહી બતાવી રહ્યા છે.એક બીજા પર કાદવ ઉછાળવાની આ પ્રવૃતિથી હવે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા કંટાળ્યા હોવાનું અને પ્રદેશ તેમજ હાઈ કમાન્ડ સામે કચ્છ કોંગ્રેસને તોડી પાડવા સક્રિય જૂથની રજે રજની વિગતથી વાકેફ કરી આકરી કાર્યવાહી કરવાના મૂડમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લે વિધાન સભા ચૂંટણી દરમ્યાન કચ્છમાં પડદા પાછળ રહીને કોંગ્રેસને નુકશાન પહોંચાડનાર જૂથ વિરૂધ્ધ નામ જોગ ફરીયાદ પ્રદેશ સ્તરે કરવામાં આવી હતી, તેમાંના મોટા ભાગના નેતાઓને તો તેમના જ કાર્યકરોએ ઓળખી લીધા હોવા છતા ટાંટીયાખેંચ જારી રાખતા કચ્છ કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરોમાં અકળામણ વધી છે.વિધાન સભા ચૂંટણી સમયે ખૂલ્લેઆમ ઈરાદા પૂર્વકની નિષ્ક્રીયતા અને અંદરખાને ભાજપ સાથે સેટીંગનો કાચો ચીઠ્ઠો પ્રદેશ કોંગ્રેસ પાસે મોજુદ હોવા છતા આ ઘરના ભેદીઓના ધમ પછાડા કોંગી કાર્યકરોનું મનોબળ તોડી રહ્યા છે.ગત વિધાન સભા ચુંટણી દરમ્યાન પક્ષ વિરોધી ભૂમિકા કોઈનાથી અછાની ન રહી હોવાથી કોંગ્રેસ માટે નુકશાન કારક એક જૂથને જીલ્લાના નવા માળખામાં સ્થાન મળ્યું નથી.હવે પોતાની શિરજોરીના બળે ખૂદને વફાદાર સાબિત કરવા નિકળેલા કોંગ્રેસના અંદરના ભેદીઓની રહી સહી પ્રતિષ્ઠા પણ દાવ પર છે કારણ કે યુવા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા આ નાટકના વધુ એપીસોડ ચલાવી લેવાના મૂડમાં ન હોવાનું કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.