જમીન પર કબ્જો જમાવવા કચ્છ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના પતિએ ખેડુતને ધાક ધમકી કર્યાનો આક્ષેપ
જમીનનો સિમબોલીક ફોટો
ભુજ : ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના ગામ રતનાલમાં રહેતા તેમજ તેમના મત વિસ્તારમાં આવતા હરૂડી ગામની સીમમાં પોતાની માલિકીની ખેતીની જમીન ધરાવતા માવજી ધુલા છાંગા અને નંદલાલ ધુલા છાંગા એ સંયુક્ત નામે પધ્ધર પોલીસ સ્ટેશન મધ્યે ફરિયાદ માટે અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ભુજ તાલુકાના હરૂડી ગામે તેમની માલિકીની જમીન છે. આ જમીન પર નંદલાલ છાંગા જમીન ખેડવા માટે ગયેલા અને અડધો ખેતર ખેડાઇ ગયા બાદ કિર્તન નટુભાઈ પોકાર તેમના પિતા નટુભાઈ પોકાર અને તેમના માતા જમીન પર ગેરકાયદેસર અપપ્રવેશ કરી અને ટ્રેકટરને રોકયો હતો અને ધાક ધમકીઓ આપી અને આ ખેતર ખાલી કરવા જણાવેલ. આ બાબતે ખેતર માલિકોએ મનાઈ કરી અને જણાવ્યું કે આ ખેતર અમારો છે. તો કિર્તનભાઇ અને તેમના પિતા ઉશ્કેરાઈ અને જણાવેલ કે આ જમીન પર અમારો કબ્જો છે જલદી ખાલી કરી દયો નહીંતર કોઈ જીવતા નહીં જાઓ, તમે મને ઓળખતા નથી હું જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિયતી બેનનો પતિ છું. તમને 5 મિનિટમાં ઉપડાવી લઇશ, માટે તમે ચાલતા થાઓ અને બીજીવાર અહિં આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પધ્ધર પોલીસ સ્ટેશન મધ્યે આપવામાં આવેલ લેખીત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવેલ છે કે આ ઘટના બાદ અલગ અલગ નંબરો પરથી રાજકીય લોકોના ફોન આવેલ અને આ જમીન સસ્તામાં વેંચી નાખવા દબાણ કરેલ અને ગુંડાઓ દ્વારા આ જમીન વેંચી નાખવા ધમકી આપેલ છે. તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના પતિ દ્વારા તેની પત્નીના હોદાનો દુરુપયોગ કરી ડગાળા, મોખાણા, નાડાપા અને મમુઆરા વિસતારમાંથી ડમ્પરો ભરી ખનીજ ચોરી કરાતી હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
આ બાબતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નીયતિબેનના પતિ કિર્તનભાઇનો સંપર્ક કરતા વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા ઉપર કરવામાં આવેલ આક્ષેપ તદન ખોટા છે. આ બાબતે મને કોઈ લેવા દેવા નથી અને મે આવી કોઈ ધાક ધમકી પણ કરેલ નથી. મારા પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે.
જોકે આવનારા સમયમાં આ બાબતે તપાસ થાય ત્યારે જ આ પ્રકરણની સાચી હકીકત બહાર આવી શકે છે.