રાફેલથી મોખા ટોલનાકા સુધી લૂટમાં રિલાયન્સ કે શું ???
મુંદ્રા : તાલુકાનાં હટડી ગામના જાગૃત યુવાન જયપાલસિંહ જાડેજા દ્વારા છેલ્લા ઘણા સમયથી મોખા ટોલનાકામાં ચાલતા નિયમ વિરુધ્ધની માહિતી અધિકારનો ઉપયોગ કરીને ટોલનાકાની લૂટમાંથી લોકલ લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જયપાલસિંહ જાડેજાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે ટોલનાકાએ નિયમ પ્રમાણે દવાખાનાની મોબાઈલ વાનનો ટોલ લેવાનો ન હોય તેમ છતાં તા. 27/ 07/2018ને રોજ પશુ દવાખાનાની મોબાઇલ વાનનો ટોલ લેવામાં આવ્યો હતો અને સરકારી ગાડીનો પણ ટોલ લેવાનો ન હોય પણ તે જ દિવસે ટોલ નાકાએ સરકારી ગાડીનો પણ લેવામાં આવ્યો હતો. જ્યારે કરાર પ્રમાણે ટોલ નાકાએ પસાર થતાં કોમર્શિયલ વાહનનો પાસેથી પૂરો ચાર્જ લેવાનો હોય છે અને તેને કોઈ પાસ કે રાહત આપવાની હોતી નથી તેમ છતાં કોમર્શિયલ વાહનને પાસ આપવામાં આવ્યા છે અને અવરલોડ વાહનોનો વધારાના ચાર્જ લેવાનો હોય છે તે પણ લેવામાં આવતો નથી અને આ ટોલ નાકા દ્વારા જે રોડનો ટોલ લેવામાં આવે છે તે રોડ અને તેની સાઈડના સર્વિસ રોડનું રિપેરિંગ કામ પણ ટોલ ઉઘરાવતી એજન્સી દ્વારા કરવાનું હોય છે પણ તે કામ આ ટોલ ઉઘરાવતી એજન્સી દ્વારા કરવામાં આવતું નથી, તેમજ રોડનું કામ પૂર્ણ થયા પછી જ ટોલ ઉઘરાવી શકાય છે અને આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ કરવામાં આવી તો તેઓએ જણાવેલ છે ઉઘરાવી શકાય પણ તેના નોટિફિકેશનની કોપી માંગવામાં આવી હતી પણ આજ દિવસ સુધી કોપી આપી નથી જેના કારણે શંકા ઊભી થાય છે કે શું આ ટોલનાકું ગેરકાયદેસર છે કે શું ? આ ટોલ નાકાના ઓડિટ રિપોર્ટની કોપી, બેલેન્સ સીટની કોપી, અવરલોડ વાહનના ચાર્જનું નોટિફિકેશન, કોમર્શિયલ વાહનના પાસ અને CCTV ફૂટેજની માહિતી અધિકારની અરજીમાં માંગવામાં આવી હતી પણ તે આપવામાં આવી નથી અને જો તે આપવામાં આવશે તો આ ટોલનાકાનો પર્દાફાશ કરી શકાય તેમ છે પણ નેશનલ હાઇવે ઓથોરિટી પણ આ એજન્સી વિરુધ્ધ અરજી આપ્યા છતાં પગલાં કેમ લેવામાં આવતા નથી ? ત્યારે રાફેલની જેમ શું આ નિયમનો ભંગ કરીને ચાલતા ટોલનાકાને ચલાવવા માટે માહિતી પૂરી પાડવામાં આવતી નથી કે માહિતી અધિકાર કાયદાનો પણ છેદ ઉડાડી દેવામાં આવેલ છે. આ ટોલનાકાનો ટોલ ઉઘરાવવા માટેનો કોન્ટ્રાક્ટ રીલાયન્સ ઇન્ફ્રાટ્રકચર પાસે હોવાને કારણે આવું થાય છે કે શું ? તેવા અનેક સવાલો જયપાલસિંહ જાડેજા દ્વારા ઉભા કરવામાં આવ્યા છે.