ગાંધીધામ ઇદે મિલાદ નિમિતે લગાડવામાં આવેલ બેનરોની અસામાજિક તત્વો દ્વારા તોડફોડ
ગાંધીધામ : ઇસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસ ઇદે મિલાદ 21મીએ ઉજવવામાં આવશે. જે બાબતે ગાંધીધામ મધ્યે DPT ઓફીસ સામે ઓવરબ્રીજ પર બેનરો અને લાઇટો લગાડવામાં આવેલ. આ બેનરો અને લાઇટોને તા. 15 ના રાત્રીના સમયમાં અમુક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરાઈ હોવા બાબતે કિડાણાના રહેવાસી ઇબ્રાહીમ હુશેન સમેજા દ્વારા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. આ બાબતે મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમા દ્વારા પૂર્વ કચ્છ એસ. પી. ને પત્ર લખી અને જણાવ્યું છે કે ઇદે મિલાદની તા. 21 મી એ ઉજવણી કરવાની છે. આ બાબતે શહેરની શાંતિ ડહોળી અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના બદ ઇરાદાથી DTP ઓફીસ સામે બ્રીજ પર નુર કમીટી દ્વારા લાગાડેલ મોહમ્મદ પયગંબર સાહેબના રોઝા (દરગાહ) ના ફોટો વાળા બેનર અને તેના પર લગાડેલ લાઇટોની તોડફોડ કરી અસામાજિક તત્વોએ શાંતિમાં પલિતો ચાંપવાની કોશિશ કરેલ છે. કચ્છનો મુસ્લિમ સમાજ શાંતિપ્રીય છે. તમામ સમાજો સાથે હળી મળીને રહે છે. આ કોમી એકતા અમુક કોમવાદી તત્વોને આંખમાં કણાની જેમ ખુંચે છે. આવા તત્વો દ્વારા આ પ્રકારના કૃત્યો કરી કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ થઈ રહી છે. આ બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવાઇ છે. માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ કડક ગોઠવવામાં આવે અને અસામાજિક તત્વો પર કડી નજર રાખવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી રજૂઆત પત્રમાં કરાઈ છે.