PMના કાર્યક્રમમાં CMના વિસ્તારમાં 75% ખુરશી ખાલી : વાસણ આહિરના નિવેદનથી અનેક તર્ક વિતર્ક
ભુજ : કચ્છમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા અંજારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણ આહિર પોતાના નિવેદનના કારણે અનેક વખત ચર્ચામાં આવી ચુકયા છે. હાલમાં જ એક વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે થોડા દિવસો અગાઉ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમ્યાન અંજારમાં જે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો તેમાં પગ મુકવાની પણ જગ્યા ન હતી. બપોરના સમયે લોકોને બોલાવ્યાને આટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો જે બાબતે મીટીંગમાં બેઠેલા કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે જણાવ્યું કે ખુદ પ્રધાનમંત્રીએ દિલ્હી જઇ અને ફોન પર અભિનંદન પાઠવ્યા. આટલા સુધી તો ઠીક છે, પણ વાસણ આહિરે વધુમાં જણાવ્યું કે રાજકોટમાં મુખ્યમંત્રીનો વિસ્તાર, મુખ્યમંત્રીનો જિલ્લો હોવા છતા વડાપ્રધાનના કાર્યક્રમમાં 75% ખુરશીઓ ખાલી હતી. આ નિવેદનથી અનેક તર્ક વિતર્કો પેદા થયા છે. શિસ્તબદ્ધ પાર્ટીની સરકારના રાજયમંત્રી દ્વારા મુખ્યમંત્રીને નીચું બતાવવા પાછળ શું કારણ હોઈ શકે. તેથી વિશેષ એ કે પોતાની પાર્ટીના કાર્યકરો સામે પોતાની પાર્ટીની સરકારના મુખ્યમંત્રીને નીચું બતાવવું તે એક શિસ્તબદ્ધ પાર્ટી માટે ગંભીર બાબત ગણી શકાય. શું વાસણ આહિર પોતે મુખ્યમંત્રીથી પણ સક્ષમ અને મુખ્યમંત્રીને લાયક હોવાનો સંદેશ તો નથી આપી રહ્યા ને ? એવો સવાલ પણ ઉભો થાય છે. જો કે કાર્યક્રમની સફળતાથી આવેશમાં આવીને પણ આવું નિવેદન આપ્યું હોય તેવું પણ બની શકે છે.