શું દબાણ હટાવવની કામગીરીના ભાગ રૂપે ધારાસભ્યનું ધાર્યું થશે ?
ભુજ : શહેરમાં ભીડગેટ અને નરનારાયણ નગર વિસ્તારમાં તંત્ર દ્વારા ગઇ કાલે દબાણ હટાવવાની કામગીરી કરી 25000 ચો. મી. સરકારી જમીન ખુલ્લી કરી હતી. દબાણ હટાવી અને સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવી ખરેખર પ્રશંસનીય છે. પણ હંમેશની જેમ વહીવટી તંત્ર સતાપક્ષના પદાધિકારીઓના ઇશારે કાર્યવાહી કરી રહયો હોવાના આક્ષેપ લોકોમાંથી ઉઠી રહ્યા છે. કચ્છમાં સરકારી જમીન પર અનેક જગ્યાએ દબાણો થયેલા છે અને આ બાબતે વહિવટી તંત્રમાં જાગૃત નાગરિકોની અનેક ફરિયાદો પેન્ડીંગ છે. જયારે જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો થાય છે ત્યારે તંત્રના પેટનું પાણીય હાલતું નથી. સતાપક્ષના પદાધિકારીઓના તેમજ મળતીયાઓના દબાણ દૂર કરવાની અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને તંત્ર જયાં કાર્યવાહી કરે છે તે દબાણો કા તો પદાધિકારીઓના વિરોધીઓના હોય છે અથવા તો અમુક દબાણો હટાવવાથી પદાધિકારીઓ તેમજ તેમના મળતીયાઓ ને ફાયદો થતો હોય છે. દબાણ કોઈના પણ હોય દુર કરવા જોઈએ પણ “કોઈક ને ખોળ અને કોઇક ને ગોળ” ની નિતી હોવી જોઈએ નહી.
ગઇ કાલે તંત્ર દ્વારા કરાયેલ દબાણ હટાવવાની કામગીરીને સંકલન બેઠકમાં ધારાસભ્ય દ્વારા કરાયેલ ભુજીયાની આસપાસ સરકારી જમીન પર દબાણો દુર કરવાની રજૂઆત સાથે જોડી બુદ્ધિજીવી વર્ગ જોઇ રહ્યું છે. સંકલન બેઠકમાં ધારાસભ્ય દ્વારા ભુજીયાની આસપાસ સરકારી જમીન પર દબાણો દુર કરવા રજૂઆત કરાઇ છે. આ જ જમીન પરથી દબાણ હટાવવા ભુજના ધારાસભ્ય દ્વારા અગાઉ પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી. તેમજ આ જમીન પર મોટા માથાઓના ઇશારે ગરીબોના ઝુંપડા તોડી આ જગ્યા ખાલી કરાવવા ત્રણ વર્ષ અગાઉ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ જમીન સ્મૃતિ વન પ્રોજેક્ટ પાસે હોવાથી ખુબજ કિમતી છે. ભવિષ્યમાં સ્મૃતિ વનનું પ્રવાસન ક્ષેત્ર વિકાસ થશે ત્યારે આ જમીન પોતાના મળતીયાઓ સાથે આવક રળવામાં ઉપયોગી સાબિત થાઇ શકે છે. માટે આ જમીન ખાલી કરાવવા ધારાસભ્ય દ્વારા પણ સતત પ્રયાસો ચાલુ છે. માટે ફરિ એકવાર સંકલન બેઠકમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાયા બાદ વહિવટી તંત્રએ અચાનક અન્ય વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી શરુ કરી છે. તેમજ આ કામગીરી સતત ચાલુ રહેશે તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાને જોતાં પ્રબુદ્ધ લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ દબાણ હટાવવની કામગીરીના ભાગ રૂપે વહિવટી તંત્ર ભુજીયાની આસપાસની જમીન પરથી નાના ધંધાર્થીઓ તેમજ ગરીબોના ઝુંપડા તોડી અને ધારાસભ્યને ધાર્યું કરી આપશે ? જો કે આ સવાલનો જવાબ આવનારા સમયમાં તંત્રનો દબાણ હટાવ ઝુંબેશ કઇ દિશામાં જાય છે તેના પરથી ખુદ બખુદ મળી જશે.