5000 એકર લીઝ ધરાવતી સાંઘી કંપની દુષ્કાળ સમયે નૈતિક જવાબદારી નીભાવતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
લખપત : આ વર્ષે વરસાદ નહિંવત થવાના કારણે સમગ્ર કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉદભવી છે. હમણા થોડા દિવસો અગાઉ કચ્છની કંપનીઓ દ્વારા 5 કરોડનો ઘાંસ પશુઓ માટે આપવામાં આવ્યો હોવાનો દાવો અખબારોમાં કરવામાં આવ્યો હતો. આ દાવાને ખોટો ઠેરવતી રજૂઆત લખપત તાલુકાના ખારઇ જુથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગ્રામજનો વતી કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે લખપત તાલુકાના ખારઇ જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા જાડવા ગામ નજીક સાંઘી ઇન્ડ. કંપની 5000 એકરની લીઝ ધરાવે છે પણ દુષ્કાળની પરિસ્થિતિમાં ત્યાંના સ્થાનિક પશુપાલકોને વ્હારે આવવાની પોતાની નૈતિક જવાબદારી નિભાવેલ નથી. જાડવા ગામના લોકોનું મુખ્ય વ્યવસાય પશુપાલન છે. અહીંના માલધારીઓના પશુઓ માટે છેલ્લા ત્રણ મહિનાથી ખાવા માટે ઘાંસ નથી અને દિન પ્રતિદિન પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે આ વિસતારની મોટી લીઝ ધરાવતી કંપનીની નૈતિક જવાબદારી થાય છે કે આ CSR માંથી મૂંગા પશુઓની વ્હારે આવી અને મદદ કરે પણ મદદ કરવાના બદલે કંપનીએ તળાવ અને લીઝનું પાણી પણ ઉલેચી લીધેલ છે. હાલમાં ઉદ્યોગ ગૃહો દ્વારા જે પાંચ કરોડનો ઘાસચારો પશુઓને આપવામાં દાવો કરાયો છે તે પોકળ છે. ખારઇ જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા જાડવા ગામ નજીક આવેલી 5000 એકર લીઝ ધરાવતી સાંઘી કંપનીએ સ્થાનિક પશુપાલકોના પશુઓ માટે એક તણખલું પણ ઘાંસનું આપ્યું નથી તેવું રજૂઆતમાં જણાવાયું છે.
આ બાબતે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા લખપતના કોંગી અગ્રણી કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા પી.સી. ગઢવીએ જણાવ્યું કે હાલમાં ઉદ્યોગ ગૃહો દ્વારા પશુઓને 5 કરોડનો ઘાંસ વિતરણ કરાયાનો દાવો કરાયો છે ત્યારે લખપત તાલુકાના જાડવા ગામ નજીક મોટી લીઝ ધરાવતી કંપનીએ એક તણખલું પણ ઘાંસ નું સ્થાનિકોના પશુઓને આપ્યું નથી. આ બાબતે સરકાર અને તંત્રને ઉદ્યોગ ગૃહો ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ પી.સી. ગઢવીએ કર્યો છે. તેમજ સાંઘી કંપનીએ એક પણ રૂપિયાનો ઘાંસ સ્થાનિક પશુઓ માટે વિતરણ ન કર્યો હોવાનો ખુલ્લાસો કરવા ખારઇ જુથ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિકો ત્યાં કંપની વિરુદ્ધ ઉપવાસ પર બેઠા હોવાનું જણાવ્યું હતું.