ઉદ્યોગ ગૃહો દ્વારા આંકડાની માયાજાળ રચી પાંચ કરોડનો ઘાંસ વિતરણ કર્યાનો દાવો પશુ પાલકોની મશ્કરી સમાન
ભુજ : કચ્છમાં ચાલુ વર્ષે નહિવત જેવો વરસાદ પડ્યો છે. જેમાં અબડાસા, લખપત, રાપર અને ભુજના બન્ની પચ્છમ વિસ્તારમાં વરસાદ બિલકુલ થયેલ નથી ત્યારે આ વિસ્તારના પશુધન અને પશુપાલન પર નભતા પરિવારોની હાલત કફોડી થઈ છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પશુધનના વ્હારે આવવાને બદલે કચ્છના ઉધોગકારો પશુઓ માટે પાંચ કરોડ જેટલી માતબર રકમના ઘાંસ વિતરણની માયાજાળ રચી પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વના નામે રકમ ગણાવીને પશુપાલકો સાથે મશ્કરી કરી રહયા છે તો સરકારને પણ ખોટા આંકડા બતાવીને ગેર માર્ગે દોરી રહ્યાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ આગ્રણી આદમ ચાકી અને જિલ્લા કોંગ્રેસ અગ્રણી ડો. રમેશ ગરવાએ કર્યો છે. બે દિવસ પૂર્વ અખબારોમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ મુજબ કચ્છના ઉદ્યોગગૃહોએ 1 એપ્રિલથી અત્યાર સુધી પાંચ કરોડની કિંમતનું ઘાંસ ચારાનું વિતરણ કર્યુ છે. અને 30 ઓગસ્ટ સુધી કચ્છના ઉદ્યોગ ગૃહોએ જિલ્લામાં 1.27 કરોડ કિલો ઘાંસનું અલગ અલગ તાલુકામાં નિરણ કરેલ છે. આ અહેવાલો કચ્છના અછત ગ્રસ્ત પશુપાલકોની મશકરી સમાન છે. આ ઘાસ વિતરણ કોર્પોરેટ સામાજિક ઉત્તર દાયિત્વના ભાગરૂપે કરવાનો દાવો કરાયો છે. હાલ વરસાદ ન થવાના કારણે પશુ પાલિકાની હાલત ખુબજ દયનીય છે. ઉદ્યોગ ગૃહો દ્વારા આટલી માતબર રકમના ઘાંસ વિતરણની માહિતીનો સતાવાર આંકડો કલેકટર હસ્તકની અછત શાખામાં નથી ઉપરાંત આટલો મોટો ઘાંસનો જથ્થો કયા વાહન મારફતે, કયા વિસ્તારમાં, કયા પશુ માલિકોને વિતરણ કરાયેલ છે તેની કોઈ સ્પષ્ટતા કે આધાર પૂરાવા નથી. ઉદ્યોગ ગૃહો દ્વારા આંકડાની માયાજાળ રચી સરકારને ગેરમાર્ગે દોરી પોકળ દાવો કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકી અને રમેશ ગરવાએ સંયુક્ત યાદીમાં જણાવ્યુ છે.