કચ્છના કલેકટર રહેલા પૂર્વ IAS પ્રદિપ શર્માને હાઇકોર્ટે જામીન આપ્યા
અમદાવાદ : કચ્છના કલેકટર રહી ચુકેલ પૂર્વ IAS પ્રદિપ શર્માને હાઇકોર્ટે જામીન આપી દીધા છે. પ્રદિપ શર્મા પર ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા દશ ફરિયાદો નોંધાઈ હોવાથી ઘણા સમયથી જેલમાં હતા. ચાલુ વર્ષના માર્ચ માસમાં તેઓ જામીન લઈ અને બહાર આવી રહ્યા હતા ત્યારે ACB ગુજરાત દ્વારા તેઓ 2008 માં ભાવનગરના એક સરકારી નિગમના ચેરમેન હતા ત્યારે ખાનગી શીપીંગ કંપનીનું ફંડ રીલીઝ કરવા 25 લાખની લાંચ લીધી હોવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. આ બાબત વર્ષ 2014 માં એન્ફોર્સમેન્ટ વિભાગે કંપનીના માલિકનું નિવેદન નોંધતા બહાર આવી હતી. આ કેસમાં પ્રદિપ શર્માએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે આ ફરિયાદ મને જેલમાં રાખવા માટે ઇરાદા પૂર્વક કરવામાં આવી છે. આ ઘટના દશ વર્ષ જુની છે. 2014 માં ED સમક્ષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. છેલ્લા વીસ મહિનાથી સાબરમતી જેલમાં હોવા છતા ACB એ તેમનું નિવેદન લીધું નથી. જામીન અરજીમાં હાઇકોર્ટ સમક્ષ મુકવામાં આવેલ તથ્યોના આધારે કોર્ટે પ્રદિપ શર્માને જામીન આપ્યા છે.