પોલીસ અને “મજીદ ખોજ યાત્રા” લડત સમિતિ આમને-સામને
ભુજ : છેલ્લા થોડા સમય થી ભુજના મજીદ થેબા નામના યુવકના ગુમ થયા બાબતે સામાજિક કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભું થયું છે. મજીદ થેબાના ગુમ થયા બાબતે પોલીસ સામે અનેક આક્ષેપો થયા છે. પોલીસ દ્વારા મજીદ ને ગોંધી રખાયા હોવાના આક્ષેપ થયા અને આ મુદો છેક અમદાવાદ સુધી પહોંચ્યો હતો. આ મુદે અમદાવાદથી વિવિધ સંસ્થાઓએ આંદોલન કરવાનું નક્કી કરી 26 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ અમદાવાદ થી ભુજ “મજીદ ખોજ યાત્રા” નું એલાન કર્યું હતું. થોડા દિવસો અગાઉ આ બાબતે પોલીસે પ્રેસનોટ રીલીઝ કરી મજીદ વિરૂદ્ધ 11 જેટલા ગુનો દાખલ હોવાનું તેમજ મજીદ ગુનાહિત માનસ ધરાવતો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આ બાબતે 20 ઓગસ્ટના પશ્ચિમ કચ્છ ભુજના નાયબ પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે પોલીસે મજીદને ગોંધી રાખ્યો હોવાની અને તેની પત્નીને માર મારવાના આક્ષેપ પાયા વિહોણા છે. મજીદને પકડવા પોલીસ ગઈ ત્યારે તે ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદના દિવસોમાં તેના મિત્રને મળી અને પોલીસ સમક્ષ હાજર થવાની ઇચ્છા બતાડી હતી. જો કે તે નશા યુક્ત હાલતમાં હોતા તેના મિત્રએ સવારે જવાની વાત કરી હતી. ત્યાર બાદ તે ભેદી રીતે લાપતા થયો છે. પોલીસે આ બાબતને અમુક લોકો દ્વારા લોકોને ઉશ્કેરવાની સાજીસ ગણાવી હતી. તેમજ મજીદને શોધવા અલગ અલગ 5 ટીમો બનાવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.
મજીદ ખોજ યાત્રા લડત સમિતિ પ્રેસ કોન્ફરન્સ
પોલીસની પ્રેસ કોન્ફરન્સના વળતા જવાબમાં આજે મજીદ ખોજ યાત્રા લડત સમિતિના મૌસીન હિંગોરજા, સકીલ સમા, યાકુબ મુતવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં પત્રકારો સાથે વાત કરતા મૌસીન હિંગોરજાએ જણાવ્યું હતું કે 19 જુલાઈના રાત્રે 9 વાગે મજીદના ઘરે પોલીસ ગઈ અને મજીદ સાથે મારપીટ કરી, તેમજ તેની ગર્ભવતી પત્ની આશિયાનાને પણ માર મારતા તેના પેટમાં ઇજા થઇ હતી. આશિયાનાને પોલીસે હોસ્પિટલ મોકલી દીધી અને રાત્રે 2 વાગે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવી પાછી તેને પોલીસ સ્ટેશન બોલાવી હતી. પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચી ત્યારે તેનો પતિ મજીદ ગાયબ થઈ ગયો હતો. તેની પત્ની આશિયાનાએ જિલ્લાના એસ. પી. અને કલેકટરને લેખિતમાં પોલીસ વાળાના નામ જોગ ફરિયાદ કરી હતી. આ રજૂઆત પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે વિરોધના પડઘા રાજય અને રાષ્ટ્રીય સ્તરે પડી રહયા છે. આશિયાનાએ ન્યાય અપાવવા અમે કાયદાકીય અને આંદોલન થકી લડત લડી રહ્યા છીએં. ત્યારે પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી લડત ચલાવનારા લોકોમાં ડર પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે જે લોકશાહી દેશમાં સંગઠીત આવાજને દબાવવાના પ્રયત્ન સમાન છે. તેમજ પોલીસે કરેલ પ્રેસ કોન્ફરન્સને જાહેરમાં ધમકી સમાન ગણાવી હતી. તેમજ પોલીસ દ્વારા મુસ્લિમ યુવકો વિરૂદ્ધ સતાનો દુરુપયોગ કરી જબરદસ્તી મજીદ વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કરાઈ રહ્યું છે. મજીદને ગુમ કરવા અને આશિયાનાને પુરૂષ પોલીસ દ્વારા માર મારવા બાબતે પોલીસ અધિકારીઓ જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ FIR ન નોંધી રહ્યા હોવાના આક્ષેપ પણ પોલીસ પર કરાયા હતા. વધુમાં જણાવ્યું કે જે એકટીવાથી મજીદ ફરતો હતો તે કોઈ પટેલના નામે હતી એકટીવા માનકુવા પોલીસ સ્ટેશનથી તેને બારોબાર આપી દેવાઈ હોવાથી પોલીસે મજીદને પોલીસે જ ગુમ કર્યો હોવાનું સ્પષ્ટ થાય છે તેવો ગંભીર આક્ષેપ કરાયો હતો. આવતી કાલે અમદાવાદ થી મજીદ ખોજ યાત્રા શરૂઆત થશે જે 31 ના ભુજ પહોંચશે અને મહા સંમેલન યોજાશે. ત્યારબાદ પણ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો દિલ્હી રામલીલા મેદાન ખાતે આ બાબતે રાષ્ટ્ર વ્યાપી આંદોલન છેડવાની ચીમકી મૌસીન હિંગોરજાએ પ્રેસ કોન્ફરન્સમાં ઉચ્ચારી હતી. આ રીતે હાલ મજીદ મામલે પોલીસ અને લડત ચલાવનાર સંસ્થા આમને સામને આવી ગઈ છે. જો કે સત્ય શું છે તે તો સમય જ બતાવશે.