મજીદ નહીં મળે તો ગુજરાતના રસ્તા પર ઉગ્ર આંદોલન થશે
અમદાવાદ : 26 દિવસ અગાઉ ભુજના મજીદ થેબાના ગુમ થવાના મુદે માઇનોરીટી કોઓર્ડીનેશન કમીટી ગુજરાત દ્વારા ગુજરાત પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. કમીટીના કન્વીનરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે 26 દિવસથી એક મુસ્લિમ મહિલા પોતાના ગુમ થયેલ પતિને શોધવા માટે FIR કરાવવા દોડી રહી છે. ગુજરાતના કચ્છ જિલ્લાના મથક ભુજ શહેરમાં 26 દિવસ અગાઉ 19 જુલાઈના રાત્રે 9 વાગે મજીદના ઘરે પોલીસ ગઈ ત્યારે બંને પતિ પત્ની ભોજન કરી રહ્યા હતા. ત્યારે પોલીસે પુછ્યું કે આ મજીદનો ઘર છે. તો તેઓએ કહ્યું કે હા આ મજીદનું ઘર છે આ સાંભળીને પોલીસે ગાળાગાળી કરી અને મજીદ સાથે મારપીટ કરી, તેમજ તેની ગર્ભવતી પત્ની આશિયાનાને પણ માર મારતા તેના પેટમાં ઇજા થઇ હતી. આશિયાનાને પોલીસે હોસ્પિટલ મોકલી દીધી અને રાત્રે 2 વાગે હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવી પાછી તેને પોલીસ સ્ટેશન બોલાવી હતી. પોલીસ સ્ટેશનથી ઘરે પહોંચી ત્યારે તેનો પતિ મજીદ ગાયબ થઈ ગયો હતો. તેની પત્ની આશિયાનાએ જિલ્લાના એસ. પી. અને કલેકટરને લેખિતમાં પોલીસ વાળાના નામ જોગ ફરિયાદ કરી હતી. આ રજૂઆત પર હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ જયારે કચરાના ઢગલામાંથી સોઇ ગોતી લે છે તો મજીદ બાબતે અટલી લાપરવાહી કેમ ? શું તે મુસલમાન છે એટલે તેને ગોતવામાં પોલીસ ગલ્લા તલ્લા કરી રહી છે ? મજીદ થેબાને શોધવા તેની પત્ની આશિયાના થેબાની FIR નોંધવા માઇનોરિટી કોઓર્ડીનેશન કમીટી ગુજરાતે ગુજરાત પોલીસ વડા, ગૃહ રાજયમંત્રી અને મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી તાત્કાલીક આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. જો FIR નહીં થાય તો મુસ્લિમ મહિલાને ન્યાય અપાવવા માઇનોરિટી કોઓર્ડીનેશન કમીટી પુરા રાજ્યમાં આંદોલન, ધરણા પ્રદર્શન કરશે તેવું કન્વીનર મુજાહિદ નફીસે યાદીમાં જણાવ્યું છે.