અન અધિકૃત બાંધકામને પ્રોત્સાહન આપનાર ભાડાના અધિકારીઓ પર FIR ની માંગ સાથે ધરણા

373

ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં થયેલા બિન અધિકૃત બાંધકામ વિરૂદ્ધ જાગૃતોની અનેક ફરિયાદો છતાં સત્તા મંડળના જવાબદારોએ કોઈ કાર્યવાહી ન કરી પોતાની ફરજમાં બેદરકારી દાખવવા તેમજ આવનારી પેઢીને ભવિષ્યમાં આવનાર સંભવિત ભૂકંપ જેવી હોનારતમાં મોતના મુખમાં ધકેવવા માટે જવાબદાર ભાડાના ચેરમેન, મુખ્ય કારોબારી અધિકારી, ટાઉન પ્લાનર અને ઇજનેરો વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ સાથે જાગૃત નાગરિકોની બીન રાજકીય સંસ્થા કચ્છ હિતરક્ષક સમિતિ દ્વારા કલેકટર કચેરી સામે એક દિવસના ધરણા કરી રાજયના રાજયપાલ, મુખ્યસચિવ અને પોલીસ વડાને સંબોધીને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં ભાડાની હદમાં છેલ્લા એક દાયકાથી થયેલા બિન અધિકૃત અને ભાડાની મંજુરી વગર બનેલા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો માટે જવાબદાર ભાડાની કચેરીમાં છેલ્લા એક દાયકામાં ફરજ બજાવી ગયેલ તમામ કર્મચારીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ વર્તમાન ભાડાના ચેરમેન, મુખ્ય કારોબારી અધિકારી, ટાઉન પ્લાનર, જુનિયર ટાઉન પ્લાનર અને વિવિધ વિસ્તારમાં ભાડા દ્વારા એપ્રૂવલ કરાયેલ ઇજનેરો સહિતના સામે ફરજમાં બેદરકારી તેમજ કોર્ટના ઓર્ડરનું અનાદર, મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત કાર્યક્રમના હુકમનું પાલન ન કરવા બદલ ફરિયાદ દાખલ કરવા માંગ કરાઇ છે. આવેદનપત્રમાં વિસ્તૃતમાં જણાવ્યા મુજબ હોસ્પિટલ રોડ પર ડો. દિલ્હી વાલા કોમ્પલેક્ષમાં નામદાર કોર્ટે અન અધિકૃત બાંધકામ તોડી દંડ વસુલવા હુકમ કર્યો હોવા છતાં અધિકારીઓ દ્વારા કોર્ટના હુકમનો અનાદર કરી ગંભીર ગુનો આચર્યો છે. માધાપરના અનેક સર્વે નં માં અન અધિકૃત કોમ્પલેક્ષ ખડકી દેવામાં આવ્યા છે તેમજ અનેક કિસ્સામાં મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હુકમ થયો છતાં કોઈ કાર્યવાહી ન કરીને અન અધિકૃત બાંધકામ કરનારને અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું છે. આ એક દિવસીય ધરણા કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્ધુમનસિંહ જાડેજા,કરછ જિલ્લા કોગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા,કોગ્રેસના પ્રદેશ અગ્રણી આદમભાઇ ચાકી,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કરછ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરી,આમ આદમી પાર્ટીના કરછના જિલ્લા પ્રમુખ સતાર રાયમા,જનતાદળ યુનાઇટેડના કરછ જિલ્લા પ્રમુખ ડૉ.શૈલેષભાઇ જોષી, ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજના જાણીતા બાળરોગ તબીબ ડૉ.નેહલ વૈધ,સામાજીક અગ્રણી રવિન્દ્ર ત્રવાડી, જાણીતા એકટીવીસ્ટ હેનરી ચાકો, વિરમ આહીર, નારાણ મહેશ્વરી (માધાપર), મુરૂભા જાડેજા (માધાપર) કોગ્રેસના અગ્રણી દિપક ડાંગર,હરેશ આહીર, રમેશ આહીર, એડવોકેટ ભગીરથસિંહ રાણા,ધનજી મેરીયા, દિવ્યાબેન શામળીયા સહિતના રાજકીય-સામાજીક અગ્રણીઓ, સ્વેરછીક સંસ્થાના પ્રતિનિધિઓ,ભુજ શહેરના પ્રબુદ્ધ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહી લડત-ધરણાને ટેકો જાહેર કર્યો હતો. આ સમગ્ર દિવસના ધરણામાં કચ્છ હિતરક્ષક સમિતિના ડો. રમેશ ગરવા, દતેશ ભાવસાર, મહમદસુલતાન કુંભાર, હરિશ આહિર, હુશેન થેબા, પરેશ મકવાણા, લાલજી ઠાકોર, રમજાન સમા, ધનંજય કુરવા, ભવાનગીરી ગુસાઇ સહિતના સભ્યો જોડાયા હતા.

Get real time updates directly on you device, subscribe now.