સૌરાષ્ટ્રના મગફળી કૌભાંડથી પણ મોટું ભુજ APMC નું રાયડા ખરીદ કૌભાંડ

638

ભુજ : ચાલુ વર્ષના મે મહિનામાં ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડુતો પાસે ખરીદી કરવામાં આવેલા રાયડાની ખરીદીમાં કરોડો રૂ ની ગેરરીતિ આચરી સાચા ખેડુતોને અન્યાય કરી મળતિયા વેપારીઓ પાસેથી બજાર કરતા ઉંચા ભાવે રાયડાની ખરીદી કરી સૌરાષ્ટ્રના મગફળી કૌભાંડ કરતા પણ મસ મોટું કૌભાંડ આચર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ છે. પ્રદેશ કોંગ્રેસના અગ્રણી આદમ ચાકી અને કચ્છ કોંગ્રેસ અગ્રણીઓ ઘનશ્યામસિંહ ભાટી અને ડો. રમેશ ગરવાની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત રાજ્યમાં ખેડુતો પાસેથી સરકારની એજન્સી નાફેડ મારફતે ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલ મગફળીમાં ભાજપના આગેવાનોએ મગફળીની ગુણમાં માટી અને કાકરા સહિતના વજનદાર પદાર્થ નાખી જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું તેવું જ મસ મોટું કૌભાંડ ચાલુ વર્ષના મે મહિનાની આસપાસ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજ દ્વારા રાયડા ખરીદીમાં કૌભાંડ થયેલ છે. ભુજ તાલુકાના ખેડુતો પાસેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજ દ્વારા રાજ્ય સરકાર વતી ખરીદી માટે નિમાયેલ ઉપજ પ્રોડક્શન કુ. મારફતે ખરીદી કરવામાં આવેલ હતી. જેમાં જેતે વખતે એક ટનનું માર્કેટ ભાવ રૂ. થી 25% વધારે રૂપિયા આપી અને પોતાના મળતિયા વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજમાં સરકારી એજન્સી મારફતે ખરીદી કરાયેલ રાયડામાં સાચા ખેડુત ખાતેદારોને યેનકેન પ્રકારે માલની ગુણવતા સારી નથી તેવા બહાના હેઠળ હેરાન પરેશાન કરવામાં આવેલ તો બીજી તરફ પોતાના મળતિયા વેપારીઓનું માલ સરળતાથી ખરીદી અને એકજ માલને અનેક વખત બજાર ભાવ કરતા ઉંચી કીમતે ખરીદી બતાવીને લાખો કરોડોનું મસ મોટું કૌભાંડ આચરવામાં આવેલ છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજ દ્વારા ખરીદ કરાયેલ રાયડાની ખરીદીમાં ખરીદ થયેલ તમામ રાયડાની વિગતો જેવી કે જેતે ખેડુત ખાતેદારોના પુરા નામ તેમના ગ્રામ પંચાયતના તલાટીના દાખલા અને જેતે ખેડૂતોના બેંક ખાતામાં આ સમયગાળા દરમિયાન થયેલ બેંક વ્યવહારની ખરાઈ તથા જેતે ખેડુતો દ્વારા તેમણે સમિતિને વહેંચેલ રાયડો કયા વાહન મારફતે બજાર સમિતિમાં લાવવામાં આવેલ તે સહિતની તમામ વિગતોની તપાસ ઉપરાંત ગાંધીધામ ખાતેના વેર હાઉસના ગોડાઉનમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજ મારફતે ખરીદી કરાયેલ રાયડાના તમામ જથ્થાની ગુણવતા અને તે સંગ્રહ કરાયેલ માલની ચકાસણી કરીને આ કૌભાંડના જવાબદાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોદેદારો તથા જવાબદાર અધિકારીઓએ તથા સરકારની એજન્સીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે રાજ્યના કૃષિમંત્રી અને રાજયના મુખ્ય સચિવને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.