મુખ્યમંત્રી ‘સ્વાગત’ કાર્યક્રમના નિર્ણયને ‘ઠેંગો’ બતાવી બિલ્ડરોના ‘લાભાર્થે’ વહીવટી તંત્ર ‘નતમસ્તક’
માધાપર : માધાપર ગામમાં અન અધિકૃત તેમજ નિયમ વિરુદ્ધ બાંધકામોએ માજા મુકી છે. અનેક જગ્યાએ નિયમોનો ભંગ કરી ખુલ્લેઆમ બાંધકામો થઈ રહયા છે. પણ બાંધકામ કરનારાઓને પૂછનાર કોઈ નથી. વહિવટી તંત્ર આ બાબતે ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. બાંધકામ બાબતે કોઈ જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે તો વહિવટી તંત્રના અધિકારીઓ બિલ્ડરો પર કાર્યવાહી અને તપાસ કરવામાં એકદમ સુસ્તી બતાડે ત્યારે એવું લાગે છે કે વહિવટી તંત્રએ ગેરકાયદેસર બાંધકામ કરવા બિલ્ડરોને મુક મંજુરી આપી દિધી છે. માધાપરના જ એક કિસ્સામાં રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નજીક થઈ રહેલ બાંધકામ બાબતે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાડાની મંજૂરી વગર બાંધકામ તેમજ દસ્તાવેજમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. આ આક્ષેપો વિરુદ્ધ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટીએ ફકત નોટીસ કરી, સમય પસાર કરાવી અને બિલ્ડરને આડકતરી મદદ કરી હતી. તો ભાડા દ્વારા પણ ફકત નોટીસ પાઠવીને અનઅધિકૃત બાંધકામ બંદ કરવા જણાવ્યું પણ સ્થળ પર જઇને કામ બંદ કરાવવાની કોઈ અધિકારીએ હિંમત કરી નહી. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે અધિકારીઓને બિલ્ડરોથી ડર લાગી રહ્યો છે ? કે તેમના આકાઓથી ડરી રહ્યા છે ? જો એવું નથી તો અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું માની શકાય આ સિવાય કોઈ કારણ હોઈ શકે નહી. આ પ્રશ્ન સતત ચાર મહિના સુધી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓએ પડતર રાખી અને અરજદારને ધક્કા ખરાવ્યા પણ આખરે રીઝલ્ટ શૂન્ય જ રહ્યું હતું. પ્રશ્નનો નિકાલ કરતી વખતે ઓર્ડર કરવામાં આવ્યું કે એક મહિનામાં આ બાબતે સંપૂર્ણ કાર્યવાહી પૂરી કરવી જે ઓર્ડરને એક મહિના ઉપર પણ દશ દિવસ વીતી ગયા તોય કાર્યવાહી થઈ નથી. જયારે ચાર મહિના આપ્યા છતા કાર્યવાહી ન થઇ, તો એક મહિનામાં શું ખાક થશે ? બાંધકામ કરવાનું શરૂ થયું ત્યારે રજૂઆત કરવામાં આવી હતી જે બાંધકામ હાલ કલર કામ સુધી પૂર્ણ થઈ ગયેલ છે. ટુંક સમયમાં આ તમામ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર આચરી બિલ્ડરોને મદદ કરી હોવા બાબતે તેમજ આ બાંધકામને સીલ કરવા અરજદાર દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવશે.
હાલમાં પણ ભાડાના ડી.પી. રોડ પર બાંધકામો ચાલુ
ગેરકાયદેસર બાંધકામો વિરૂદ્ધ અનેક વાર ફરિયાદો થઇ છતા ભાડા દ્વારા કાર્યવાહી ન કરાતા બિલ્ડરો બેફામ બની નિયમ વિરુદ્ધ બાંધકામ કરી રહયા છે. માધાપરના મેઇન રોડ પર બંને સાઇડ 36 મીટર સૂચિત રોડ આવેલ છે. આ રોડ પર પંચાયત કે ભાડા મંજૂરી આપી શકતી નથી. આ રોડ પર હાલમાં સર્વે કરીએ તો જિલ્લા સ્વાગતમાં જે કોમ્પલેક્ષ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી તે જ પ્રકારના બે કોમ્પલેક્ષ બની રહયા છે. વહિવટી તંત્ર આગાઉ થયેલ ફરિયાદ પર કોઈ કાર્યવાહી નથી કરી ત્યારે આ બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી નહીં જ થાય તે વાત સ્વાભાવિક છે. ખુલ્લેઆમ નિયમ વિરૂદ્ધ બાંધકામ કરવાની આટલી બધી હિંમત બિલ્ડરો વહિવટી તંત્રની ભ્રષ્ટ નિતીના કારણે કરી રહ્યા છે તે સ્પષ્ટ જણાઈ રહ્યું છે.