કચ્છ ધરાની ભાતિગળ સંસ્કૃતિ અને ઐતિહાસિક પરંપરાને ઉજાગર કરતું અનોખું એવું કચ્છ મ્યુઝિયમ
ભુજ : કચ્છ મ્યુઝિયમ કચ્છનું એક માત્ર સરકારી મ્યુઝિયમ છે. જેનું સંચાલન રાજય સરકારના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હેઠળ સંગ્રહાલય ખાતા દ્વારા કરવામાં આવે છે. કચ્છની રાજધાની ભુજમાં ગુજરાતનું તથા પશ્ચિમ ભારતનાં સૌથી જુનાં સદી વટાવી ચૂકેલા દસ મ્યુઝિયમો પૈકીનું ગૌરવવંતુ કચ્છ મ્યુઝિયમ છે જેની સ્થાપના ૧લી જુલાઇ-૧૮૭૭ના કચ્છની રિજન્સી કાઉંસીલે કરી હતી. ફરગ્યુસનના હસ્તે કચ્છ મ્યુઝિયમના મુળ ભવનની પાયાવિધિ કરવામાં આવી હતી અને તેમના નામથી ફરગ્યુશન મ્યુઝિયમ તરીકે પહેલાં ઓળખાતું બાદ ૧૯૪૮માં ભારતના રજવાડાઓના વિલીનીકરણ વખતે કચ્છ રાજયનું પણ વિલિનીકરણ થતાં આ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ તરીકે ઓળખાયું જે નામ આજ પણ લોક જીભે પ્રચલિત છે. કચ્છ મ્યુઝિયમના કયુરેટર સુશ્રી શેફાલીકા અવસ્થીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચ્છની ભૂમિ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતી વિવિધતાવાળી છે. આ સંસ્કૃતિને કચ્છ મ્યુઝિયમના જુદા જુદા ૧૫ વિભાગમાં સુંદર રીતે રજુ કરાઇ છે. આ મ્યુઝિયમને કચ્છના ભોમિયા તરીકેની પણ ઓળખ મળી છે. કેમ કે, પુરાતન કાળના અનેક સંભારણાઓ જાળવી રાખનાર આ મ્યુઝિયમમાં શિલાલેખો, સિંધુ સંસ્કૃતિના અવશેષો, શિલ્પ સ્થાપત્ય કચ્છ પ્રદેશની વિવિધ માનવ જાતિ, સંસ્કૃતિઓ, ચિત્રકલા, ધાતુ, શિલ્પ, સિકકા, વસ્ત્રપરિધાન, કચ્છી આભૂષણો, કચ્છની બેનમૂન ચાંદી કળા, કચ્છી હથિયારો, કચ્છનું વહાણવટું, ઉપરાંત પ્રકૃતિ વિજ્ઞાનને લગતા અનેક નમૂના સુંદર રીતે જળવાયા છે.
૨૬મી જાન્યુ-૨૦૦૧માં વિનાશક ભૂકંપથી કચ્છ મ્યુઝિયમની મુળ ઈમારતને વ્યાપક નુકશાન થયેલ હતું અને તેનો પ્રથમ માળ ધ્વંસ થતાં સંગ્રહાલયના અમૂલ્ય નમૂના કાટમાળમાં દબાઇ ગયા અને શતાબ્દિ ભવનને પણ વ્યાપક નુકશાન થયું હતું. સદભાગ્યે થોડી ઘણી ભાંગફોડ બાદ કરતાં એક પણ નમૂનો ગુમ થયો ન હતો. ધ્વસંત થયેલ, કાટમાળમાં ફેરવાયેલ કચ્છ મ્યુઝિયમને પુનઃ ધબકતું કરવા રાજય સરકારે નિર્ણય કર્યો અને સંગ્રહાલયનું પુનઃનિર્માણ વિશ્વ બેંકની સહાયતાથી રાજયના આપત્તિ નિવારણ પ્રાધિકરણ દ્વારા રૂ.૯૦ લાખ અને રાજય સરકારના રૂ.૧૦ લાખ મળી કુલ રૂ.૧ કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરાયું હતું. જેમાં રૂ.૫૦/- લાખ વિવિધ વિભાગોની આંતરિક રચના, શોકેશ વિગેરેની કામગીરી હાથ ધરાઇ. નવનિર્મિત કચ્છ મ્યુઝિયમમાં અધતન લાઈટીંગ સીસ્ટમ, આગ સામે સલામતી માટેના ઉપકરણો તથા અધતન સીસીટીવીની સીસ્ટમ પણ ગોઠવવામાં આવી છે. નવનિર્મિત આ લોકલાડીલા કચ્છ મ્યુઝિયમનું તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૨૦મી ફેબ્રુઆરી-૨૦૦૭ના લોકાર્પણ કરાયું હતું. આ ભાતિગળ કચ્છી સંસ્કૃતિથી મઢયા મ્યુઝિયમની પ્રવેશ ફી નજીવી એટલે કે માત્ર રૂ.૫/- રાખવામાં આવી છે. કારણ કે, વધુમાં વધુ પ્રવાસી તેનો લાભ લઇ શકે. જયારે વિદેશી સહેલાણીઓ માટે પ્રવેશ ફી રૂ.૫૦ છે અને ફોટોગ્રાફી માટે ફી રૂ.૧૦૦ છે તથા સંશોધકો, વિધાર્થીઓ માટે પ્રવેશ ફી માત્ર ૨/- રૂપિયા રાખવામાં આવી છે તે ઉલ્લેખનીય છે. સપ્તાહમાં બુધવાર અને સરકારી જાહેર રજામાં કચ્છ મ્યુઝિયમ બંધ રહે છે. આ દિવસો સિવાય સહેલાણીઓ કચ્છ મ્યુઝિયમનો લાભ લઇ શકે છે.