ખાનગી ટયુશન કલાસીસો સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે
ભુજ : કચ્છ જિલ્લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પુરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટયુશન કલાસીસ અસ્તિત્વમાં આવેલ છે. આ ટયુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટયુશન કલાસમાં વિધાર્થી-વિધાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટયુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્યાને આવેલ છે. અને તે દરમ્યાન ઘણી વિધાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્યવસ્થાને લગતા પ્રશ્નો ઉપસ્થિત થતા હોવાનું ધ્યાને આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં વિવિધ ટયુશન કલાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલે છે. જેથી ટયુશન કલાસના મકાની આસપાસ આવેલ રહિશોને પણ વિધાર્થીઓની સતત અવર-જવરથી પરેશાન થાય છે. ટયુશન કલાસના સંચાલકો તરફથી વિધાર્થીનીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજુઆત થયેલ છે. આમ તમામ બાબતો ધ્યાને લેતા જિલ્લામાં ચાલતા ટયુશન કલાસો માટે ચોકકસ સમય રાખવો જરૂરી જણાય છે. માટે જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહને જાહેરનામું બહાર પાડી જિલ્લાની મહેસુલી હદમાં આવેલ ખાનગી ટયુશન કલાસીસ સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ હુકમ સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામું તા.૧૪/૯/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.