પવનચકકીઓ માટે સરકારી જમીન આડેધડ ફાળવણી વિરૂદ્ધ PIL : સરકાર અને કંપનીઓને હાઇકોર્ટનું તેડું
ભુજ : કચ્છ જિલ્લાના અનેક ગામડાઓમાં ગૌચર અને સરકારી પડેતર જમીનો બાબતે વહિવટી તંત્રમાં રજૂઆત કરવા છતા યોગ્ય કાર્યવાહી ન થતા અરજદાર કાસમ ભૂરા નોડે અને કાસમ સિધ્ધીક છુછીયાએ એડવોકેટ હનીફ એન. ચાકી મારફતે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ શિવાંગ શાહ દ્વારા પીટીશન દાખલ કરાઇ છે. જેમાં ઓસ્ટ્રો કચ્છ વિન્ડ પ્રા. લી. , સુઝલોન ગુજરાત વિન્ડ પ્રા. લી., મારૂતિ વિન્ડપાર્ક (દેવીખીદી) પ્રા. લી. દ્વારા પવનચકકી પ્રોજેક્ટ હેતુ માટે સરકાર પાસેથી ગૌચર તેમજ સરકારી પડેતર જમીનની માંગ કરાઇ હતી. આ માંગણી સંદર્ભે ડી. આઇ. એલ. આર કચેરીએ બનાવેલ માપણી સીટમાં કી- પ્લાન નથી ઉપરાંત ગૌચર અને સરકારી જમીન આઇડેન્ટીફાઇ થતી નથી. તેમજ કંપનીઓ દ્વારા મંજૂર થયેલ જમીનથી વધારે જમીન પર ગેરકાયદેસર દબાણ કરેલ છે. સ્થાનિક લોકોની માલિકીની જમીનમાંથી પણ રસ્તા બનાવાયા છે. આ બાબતે વિરોધ કરનારાનું યેનકેન પ્રકારે મોઢું બંધ કરાવવાની કંપનીઓ કોશિશ કરેલ જે બાબતે વહિવટી તંત્રમાં રજૂઆત કરાઇ હતી જે ધ્યાને લેવામાં આવી નહી તેવી રજૂઆત કરાઇ છે. વધુમાં જણાવાયું છે કે સ્થાનિક ગૌચર જમીન પવનચકકી પ્રોજેકટ માટે ફાળવવાથી પર્યાવરણને નુકશાન થશે તેમજ પશુપાલન સાથે સંકળાયેલ લોકો પર અને ખેતી વાડી પર વિપરીત અસર થશે તેવા સ્થાનિકોના વિરોધને પણ ધ્યાને લેવામાં આવ્યું નહી. મોટા પ્રમાણમાં પવનચકકીઓ ઉભી થવાથી જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર અસર પડશે આ બાબતે પર્યાવરણ વિભાગની મંજૂરી પણ લેવાઈ નથી. તેમજ ફાળવવામાં આવતી જમીનોમાં નિયમ મુજબ કાર્યવાહી થતી ન હોઇ અને અવારનવાર હાઇકોર્ટના આદેશનું ભંગ થયો હોવાનું જણાવી આધાર પુરાવા સાથે પીટીશન દાખલ કરાઇ છે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 4/7 ના વિગતવાર સુનવણી કરી અને તમામ પક્ષકારોને નોટીસ ઇશ્યુ કરી આગામિ તા. 29/8 ના સુનાવણીની તારીખ નકકી કરેલ છે તેવું અરજદારોના સ્થાનિક એડવોકેટ હનીફ ચાકીએ જણાવ્યું છે.
પવનચકકી બાબતે કચ્છમાં અનેક ગામોમાં થયા છે વિરોધ
પવનચકકીઓ લગાડવાનું કામ છેલ્લા થોડા સમયથી કચ્છના વિવિધ ગામડાઓમાં ચાલુ છે. પવનચકકીઓ લગાડવાના કામ ચાલુ હતા તે દરમ્યાન અનેક ગામોમાં સ્થાનિકોએ વિરોધ કર્યાના કિસ્સાઓ સામે આવ્યા હતા. પણ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા આ વિરોધને કોઈ પણ ભોગે દબાવવાનું પ્રયત્ન કરવામાં આવતું. અમુક કિસ્સાઓમાં ગ્રામજનોના વિરોધને દબાવવા કોન્ટ્રાકટર દ્વારા પોલીસને બોલાવી ગ્રામજનોને ડરાવવાનો પ્રયાસ કરાયો હતો. જયારે સ્થાનિક લોકોની માલિકીની જમીનમાંથી રસ્તા કઢવામાં આવે અને લોકો વિરોધ કરે ત્યારે કંપનીને પોલીસ દ્વારા પ્રોટેક્શન પુરૂ પાડવું કેટલું યોગ્ય છે ? તે પણ તપાસનો વિષય છે.