લખપત તાલુકાના તમામ સમાજના લોકોએ સદભાવના બતાડી કોમી એકતાનો ઉદાહરણ આપ્યું
ગાંધીધામ : કચ્છની કોમી એકતા સમગ્ર વિશ્વમાં બેમીશાલ હતી અને રહેશે જેનો દાખલો ગઈ કાલે કચ્છ જિલ્લાના તમામ સમાજના લોકોએ લખપત તાલુકાથી આપ્યો. તેવું પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે અમૂક અસામાજિક તત્વોએ જે કચ્છની કોમી એકતા તોડવા જાણે કે કસમ ખાધી હોય તેવા તત્વોને સરહદી તાલુકા લખપતમાં ખાસ કરીને હિન્દુ સમાજ મુસ્લિમ સમાજની પડખે રહી ને સદભાવનાનો દાખલો આપ્યો તેનો સમગ્ર કચ્છનો મુસ્લિમ સમાજ હિન્દુ સમાજનો આભારી છે. લવ જેહાદ અને ગૌ હત્યા કે હિન્દુ ભાઇઓ પર અત્યાચાર મુદે જે અસામાજિક તત્વોએ સરહદી તાલુકામાં અશાંતિ સર્જવાનો પ્રયાસ કર્યો અને હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ તેને નાકામ બનાવ્યો તેમજ સમગ્ર કચ્છમાં આવા તત્વોને જાકારો આપવો જોઈએ. હુ દાવા સાથે કહું છું અને સાબિતી આપવા તૈયાર છું કે પ્રેમ પ્રકરણને લવ જેહાદ નામ આપી વાતાવરણ બગાડનારા તત્વોને મારે એટલું જ કહેવું છે કે આજ દિવસ સુધી 20 જેટલી હિન્દુ દિકરીઓને પ્રેમ પ્રકરણમાંથી પોલીસ તેમજ હિન્દુ આગેવાનોને સાથે રાખી અને તેમના મા બાપને સોપેલ છે. તેમજ 8 થી વધુ મુસ્લિમ દિકરીઓ હિન્દુ ભાઇઓના સહકારથી તેમના માતા પિતાને સોપેલ છે. હકીકતમાં લવ જેહાદના નામે હોબાળો એ દિકરીઓની તથા તેમના પરિવારની ઇજ્જત સાથે ખીલવાડ છે. અને આવા બનાવો જાહેર થવાથી દિકરીઓને પાછળથી સમાજમાં યોગ્ય પાત્ર મળતું નથી. લખપત તાલુકાના હિન્દુ ભાઇઓનું હું આભાર માનું છું અને હિન્દુ સમાજની દિકરીઓ માટે જરૂર પડશે તો બલિદાન આપવામાં મુસ્લિમ સમાજ ખચકાશે નહી તેવી ખાતરી આપું છું.