કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લા અને ગામને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા રજૂઆત
લખપત : કચ્છની સરહદે આવેલ ઐતિહાસિક લખપત કિલ્લા અને લખપત ગામને રાષ્ટ્રીય ચેનલમાં એડ. ફિલ્મના માધ્યમથી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા લખપતના ઇતિહાસકાર ઓસમાણ નોતિયાર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કચ્છના પશ્ચિમ છેવાડે આવેલ લખપત ઐતિહાસિક અને વર્ષો જુનુ ગામ છે. જેમ કચ્છમાં અમિતાબ બચ્ચનને બોલાવી રણનું શુટીંગ કરી એડ ફિલ્મના માધ્યમથી તેનું પ્રચાર કરવામાં આવ્યું તે રીતે લખપતને પણ આવી રીતે એડના માધ્યમથી પ્રચાર પ્રસાર કરી પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાની ખુબજ જરૂરિયાત છે. જેથી અહીંના વિસ્તારના લોકો માટે રોજગારી ના દ્વાર ખુલશે તેમજ સરકારને પણ આવક થશે. હાલે ઇન્ટરનેટ પર લખપત ગામ વિશે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે. ગામની ઐતિહાસિક ધરોહરના ફોટાઓ, લેખો, વિવિધ બ્લોગ સ્ટોરી જોઇ અનેક પ્રવાસીઓ આ ઐતિહાસિક ગામની મુલાકાત લે છે. લખપત ગામમાં વિશાળ ઐતિહાસિક કિલ્લો જે 7 કિ. મી. ની ત્રીજીયામાં ફેલાયેલો છે. આ કિલ્લો ગુજરાતનો સૌથી મોટો કિલ્લો ગણાય છે. ઉપરાંત હાટકેશ્વર મહાદેવ મંદિર અને સીદી સૈયદની ઝાડની જેમ લખપતમાં આવેલ શાહ અબુતુરાબ અને ગૌષ મોહમ્મદના મકબરા, ઐતિહાસિક ગુરૂદ્વારા, જોગેસ્વર મહાદેવ મંદિર વગેરે ઐતિહાસિક પ્રવાસન સ્થળો આવેલા છે. જો અમિતાબ બચ્ચન કે અન્ય જાણીતા એક્ટર દ્વારા ગુજરાત સરકાર લખપતની શુટીંગ કરાવી એડ ફિલ્મ બનાવી રાષ્ટ્રીય કક્ષાના ચેનલો પર પ્રસારિત કરવામાં આવે તો લખપતનું પ્રવાસન ક્ષેત્રે વિકાસ થશે. જેથી હજારો લોકોને રોજગારી મળશે અને સરકારને પણ ફાયદો થશે. લખપતની સાથે સાથે આ એડમાં દેશ દેવી માં આશાપુરા માતાજી (માતાનોમઢ), પ્રાચીન નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, સિયોતની ગુફાઓનું પણ સમાવિષ્ટ કરી પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી શકાય છે. આ કાર્ય થકી ” સૌનો સાથ સૌનો વિકાસ” નો સુત્ર સાર્થક થશે અને લોકોને રોજગારી મળશે તેવી રજૂઆતમાં માંગ કરાઈ છે.