ભાજપા નેતાઓ દ્વારા થતા મહિલા અત્યાચાર બાબતે વિરોધ : નલીયાકાંડના બાકી આરોપી વિપુલ ઠકકરનો કોયડો ઉકેલાશે ?
ભુજ : રાજયમાં મહિલા અત્યાચારની ઘટનાઓમાં ભાજપ નેતાની સંડોવણી બહાર આવી છે. અગાઉ કચ્છના નલિયા દુષ્કર્મ કાંડમાં ચુંટાયેલ સભ્યની સંડોવણી બહાર આવતા છતા હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમજ ભાજપના દબાણ હેઠળ અનેક આવી ઘટનાઓને દબાવી દેવામાં આવી છે. અને પીડિતાની ફરિયાદ ધ્યાને લેવાતી નથી. હાલે વરાછાની યુવતીએ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે. તેમજ રાજયમાં અનેક જગ્યાએ ભાજપના નેતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદો થઈ છે. આવી ઘટનાઓથી ગુજરાત તેમજ સમગ્ર કચ્છ બદનામ થયું છે. માટે કચ્છમાં ભાજપને હટાવી મહિલાઓને બચાવી અને મહિલા અત્યાચાર રોકવા કચ્છ કોંગ્રેસે પ્રજાને આહ્વાન કરી ભુજમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન યોજ્યો હતો. તેમજ નલીયા કાંડમાં સંડોવાયેલ નગરપાલિકાના કાઉન્સિલરને તંત્રએ સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા નથી. તેવુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું.
વિપુલ ઠક્કરનો કોયડો વણ ઉકેલ્યો
આવી ઘટનાઓ પ્રકાશમાં આવવાની સાથે જ નલીયાકાંડની દુઃખદ ઘટના લોક માનસમાં તાજી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે નલીયાકાંડના વિપુલ ઠકકર નામના આરોપી કોણ છે તે પોલીસ હજુ પણ શોધી શકી નથી ત્યારે નલીયાકાંડનો આરોપી વિપુલ ઠકકરને પોલીસ શોધી શકશે ? કે વિપુલ ઠકકરનો કોયડો વણ ઉકેલયો જ રહેશે ? તેવા સવાલો પ્રજામાંથી ઉઠી રહયો છે.