ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ થઇ રહી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
ભુજ : ભુજ- નાગોર- લોડાઇ રોડના કામમાં ગેરરીતિ તેમજ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોવાનો આક્ષેપ RTI એકટીવીસ્ટ એચ. એસ. આહિર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને કરવામાં આવેલ ફરિયાદમાં જણાવાયું છે કે આ રોડનું કામ ટેન્ડરની જોગવાઈઓ વિરુદ્ધમાં થઈ રહયું છે જેમા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઇ રહયો છે. હાલમાં વાઇન્ડીંગનું કામ ચાલી રહ્યું છે તેમા ખોદાણ ઓછું કરવામાં આવ્યું છે. તેમાં વપરાઇ રહેલ મટીરીયલ જી. એસ. ડી મેટલ – વેટમીક્ષા નિયમ મુજબ મિક્ષડિઝાઇન પ્રમાણે કરવામાં આવતા નથી. તેમજ કામની એજન્સીએ નીચું ભાવ ભર્યો હોવાથી મન ફાવે તેમ તકલાદી કામ કરી રહી છે. માટે આ કામનું ગ્રેડેશન ચેક કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે. રસ્તાના વાઈન્ડીંગના ખોદાણમાં કયોરીંગ અને ડ્રાય રોલીંગ વગર મેટલ પાથરવામાં આવી રહ્યું છે. ટેન્ડર મુજબ ડેનસીટી પણ ઓછી છે માટે તેની ડેનસીટી પણ માપવામાં આવે. આ બાબતે 12 જુનના આ કામના સંલગ્ન અધિકારીઓને વોટસએપના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી હતી પણ અધિકારીઓએ કોઇ કાર્યવાહી કરી નથી. તેમજ ભુજ માર્ગ અને મકાન વિભાગની કચેરીએ અનેક ફરિયાદો કરવા છતા અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરીને ભ્રષ્ટાચારીઓને છાવરી રહયા છે. માટે આ બાબતે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. તેમજ તાત્કાલિક આ કામની ગુણવત્તા ટેસ્ટ કરાવી સમગ્ર ભ્રષ્ટાચારની તપાસ કરી કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવી અને તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવાયું છે.