ભુજ નગરપાલિકાના નવા પ્રમુખ MLA નજીકના નહીં, પ્રજાની નજીકના હોવા જરૂરી…
ભુજ : નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનની અઢી વર્ષની ટર્મ પુરી થતા આવનારા દિવસોમાં નવા પ્રમુખ અને કારોબારી ચેરમેન માટે ચુંટણી યોજાવાની છે. ભાજપ શાસિત ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેન પદ માટે અનેક દાવેદારોના નામો પર ચર્ચા કરી યોગ્ય વ્યક્તિઓના નામ જિલ્લા સંગઠન દ્વારા પ્રદેશમાં મોકલી દેવાયા છે છેલ્લો નિર્ણય ગાંધીનગર કક્ષાએથી લેવામાં આવશે અને ગમે તે એક નામ પર મોહર મારવામાં આવશે આ બાબતે રાજકીય સૂત્રો દ્વારા મળતી વિગત અનુસાર ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યના નજીકના ચહેરાને આ પદ સોપવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે ભ્રષ્ટાચાર તેમજ સફાઇ ટેન્ડર, હમીરસર બ્યુટીફીકેશન, પાણી સમસ્યા, ગટર સમસ્યા જેવી અનેક બાબતે ગેર વહીવટના આક્ષેપથી વિવાદોમાં ઘેરાયેલી ભુજ નગરપાલિકાની ખરડાયેલી છબીને સુધારવા ભાજપ પક્ષે ધારાસભ્ય નજીકના ચહેરાને પ્રમુખ બનાવવા કરતા પ્રજાની નજીકના ચહેરાને પ્રમુખ બનાવવા વિચારણા કરવી જોઈએ કારણ કે એવા અનેક દાખલાઓ કચ્છના રાજકારણમાં સામે આવ્યા છે કે જે તે મોટા પદાધિકારીની ભલામણથી મળેલ પદ પર બિરાજમાન વ્યક્તિ તે પદાધિકારીના રબર સ્ટેમ્પ તરિકે કાર્ય કરવું પડે છે. અને પ્રજાની સમસ્યાઓ પર ધ્યાન અપાતું નથી અને પદાધિકારીની અંગત હિતની ભલામણો પર અમલ કરવામાં ટર્મ પુરી થઇ જાય છે. માટે ભાજપ મોવડી મંડળે ભુજ નગર પાલિકાના પ્રમુખ તરિકે એવા ચહેરાને બેસાડવામાં આવે કે જે ધારાસભ્ય કે અન્ય મોટા પદાધિકારીની પોતાના અંગત હિતની ભલામણો પર ધ્યાન ન આપે અને પ્રજા હિતના કાર્યો કરી પ્રજાની મુશ્કેલી હલ કરી અને ગત અઢી વર્ષમાં ભુજ નગરપાલિકાની ખરડાયેલી છબીને સુધારી શકે અને ખરાબ છબીના કારણે ભાજપ પક્ષને આવનારા સમયમાં નુકસાનથી બચાવી શકે તેજ સમયની માંગ છે.