ઇદના તહેવાર નજીક પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ કરી ફરી કચ્છની શાંતિ ડહોળવાનો પ્રયાસ
ગાંધીધામ : છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં સોશ્યલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાય તેવા હેતુ થી અસામાજિક તત્વો દ્વારા અભદ્ર અને ઉશ્કેરણી જનક લખાણ કરવાના કેટલાક કિસ્સાઓ બહાર આવ્યા છે. તે પછી મહેશ્વરી સમાજના ધણીમાંતગ દેવ વિરુદ્ધ હોય કે ઇસ્લામ ધર્મ વિરૂદ્ધ હોય કે પછી હાલમાં જ માં મોગલ વિરૂદ્ધ અભદ્ર લખાણ લખ્યું હોય, આ તમામ ઘટનાઓ ફકત અને ફકત કચ્છની કોમી એકતાને પલીતો ચાંપવા તેમજ શાંત વાતાવરણમાં તનાવ ઉભો કરવાના ઉદેશ્યથી થઈ રહી છે. આજે ફરી એકવાર માંડવી તાલુકાના પદમપુર ગામના મોહન સેંઘાણીએ સોશ્યલ મીડિયા મારફતે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરૂદ્ધ અભદ્ર લખાણ લખી ઇદના તહેવાર નજીક આવું કૃત્ય કરી મુસ્લિમોને ઉશ્કેરવા પ્રયાસ કર્યો છે.
આ બાબતે પ્રદેશ કોંગ્રેસ મંત્રી હાજી જુમા રાયમાએ એસ.પી પશ્ચિમ કચ્છને ફરિયાદ કરી અને આવું કૃત્ય કરનાર વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. જુમા રાયમાએ જણાવ્યું કે શાંતિ ડહોળનારા તત્વો પાછળ એક ટોળકી સક્રિય છે. જે સતત કચ્છની શાંતિને પલીતો ચાંપવા આવા યુવાનોને તૈયાર કરી અને કચ્છમાં ઝેર ફેલાવવાનું ષડયંત્ર કરી રહી છે. થોડા સમય પહેલા જ પોલીસે જાહેરાત કરી હતી કે આવા લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવશે તો શું પોલીસ ફક્ત જાહેરાત જ કરશે ? કે પછી આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી ખાખીની ધાંક બતાવશે ? જો પોલીસમાં નૈતિકતા હોય તો આવા લોકોને ડામવા તાત્કાલિક પાસાની કાર્યવાહી થવી જોઈએ પછી તે કોઈ પણ સમાજ કે વર્ગનો હોય પોલીસે પોતાની શાંખ બચાવવા આવા તત્વોને ડામવા પડશે માટે આવા લોકો વિરુદ્ધ તાત્કાલિક પાસાની કાર્યવાહી કરવા જુમા રાયમાએ માંગ કરી છે.