ભૂજોડી ખાતે ગ્રામ હાટનું લોકાર્પણ : સ્વરોજગાર સ્વાવલંબનએ આજના સમયની માંગ : રાજયમંત્રી વાસણ આહિર
ભુજ : સ્વાવલંબન, સ્વરોજગાર આજના સમયની માંગ છે તેવું જણાવતાં અંજાર ધારાસભ્ય અને રાજયમંત્રી વાસણ આહિરે આજરોજ હસ્તકળા સમૃધ્ધ ભૂજોડી ખાતે ડીઆરડીએ દ્વારા નિર્મિત ગ્રામહાટનું મહાનુભાવો સાથે પુનઃ લોકાર્પણ કર્યુ હતું. તેમણે આરસેટી સેન્ટર (દેનાબેંક) તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આજીવિકા દિવસની ઉજવણી સમારોહને સંબોધતા આજિવીકા કૌશલ્યવર્ધન દિવસની ઉજવણી ત્યારે જ સાર્થક થઇ ગણાશે જયારે નાના, અદના આદમી, શ્રમજીવીને વધુને વધુ સન્માનભેર ધિરાણ, સહાય આપવામાં બેંકો સાનુકુળ વલણ અપનાવે તેવી નુકતેચીની કરતાં આરસેટી સેન્ટર ભૂજોડી ખાતે તાલીમ મેળવી સેંકડો યુવા ભાઇ-બહેનોએ સ્વરોજગારીની જે સફળત્તમ સિધ્ધિ મેળવી છે તેની તહેદિલથી સરાહના કરી હતી. તેમણે તેમની સંવેદનશીલ સરકાર દ્વારા તત્ક્ષણ નિર્ણય, મહાપુણ્યની આછેરી ઝલક આપતા સરદાર આવાસ, દિનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયના ધોરણમાં રહેલ વિસંગતતા દુર કરી એકસમાન ધોરણે રૂ.એક લાખ વીસ હજારની સહાય કરી દેવાઇ છે તેવું સદ્ષ્ટાંત ટાંકતા, એસ.સી. એસ.ટી, બક્ષીપંચના છાત્ર, છાત્રાઓને ગણવેશ સહાય ૩૦૦ની ૬૦૦ કરી દેવાયાનું તાળીઓના ગડગડાટ વચ્ચે ઉમેર્યુ હતું. તેમના વકતવ્યના સમાપનમાં ભૂજોડીના કળા, કસબીઓને તથા ભૂજોડીવાસીઓ, સ્વચ્છતા અભિયાન, જળસંચય અભિયાનમાં સવિશેષ યોગદાન આપી છુટ્ટે તેને સમયનો તકાજો ગણાવતાં કચ્છ પ્રદેશની આન, બાનને શાનમાં સુંદર પ્રદાન કરનાર સૌ સુજ્ઞજનો, કલાધરોનો ઋણ સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતાં ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે ભૂજોડીના કળા, કસબીઓએ પરસેવે ન્હાઇ જે શાખ જમાવી છે તેને વધાવતાં આરસેટી, સેન્ટર (દેનાબેંક) દ્વારા વિવિધ તાલીમ મેળવી સેંકડો લાભાર્થી યુવા-યુવતિ જે સફળતાપૂર્વક ગૃહઉધોગ, નાના પ્રકારના વ્યવસાય ચલાવી રહયા છે તેને પ્રેરણારૂપ ગણાવતાં આજકાલના રેડીમેડના ટ્રેન્ડનો મહિલા કસબીઓને પૂર્ણત લાભ ઉઠાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જનજાગૃતિનો મહિમા વર્ણવતા યુવા શકિતના કૌશલ્ય ક્ષમતાને તાલીમ દ્વારા ચમકદાર કરવાના પ્રયાસોને નોંધપાત્ર ગણાવ્યા હતા. પ્રારંભમાં મંત્રીશ્રી, મહાનુભાવો, ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આરસેટીના વ્યવસ્થાપક વિજયભાઇ પટેલે પાઠવ્યો હતો તથા ઉપલબ્ધ તાલીમ વર્ગ, તાલીમાર્થીઓને સ્વરોજગાર માટે બેંકો દ્વારા ઉદાર દિલે ધિરાણ, સહાયની ઝલક આપી હતી. તો મંત્રીશ્રી, મહાનુભાવોનું શાલ, પુષ્પે સ્વાગત ડીડીઓશ્રી પ્રભવ જોશી, કાર્યકારી ગ્રામ વિકાસ નિયામક અશોકભાઇ વાણીયા, સરપંચ લક્ષ્મીબેન તથા ઉપસરપંચ રાભુભાઇ, કો.ઓર્ડિનેટર વિભૂતિબેન તથા ડીએલએમ દશરથ ખાંડેકા તથા કાર્યકરગણે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલા તથા આભારવિધિ મિશન મંગલમના દશરથભાઇ ખાંડેકાએ કરી હતી. આ પ્રસંગે જિલ્લાના ગ્રામ સખીમંડળોને સહાયના લાખેણા ચેકોનું વિતરણ, તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તથા સફળતાપૂર્વક આર્થિક પ્રવૃતિઓ કરતા, સખીમંડળોને મંત્રીશ્રી, મહાનુભાવો દ્વારા સન્માનપત્રો અપાયા હતા. આ પ્રસંગે ભુજ તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ઉપપ્રમુખ હિતેશ ખંડોર, તા.પં.શાસકપક્ષના નેતા સજુભા જાડેજા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વાલુબેન મંગેરીયા, દેનાબેંકના આર.એમ. રોશન શર્મા, ટીડીઓ જાની, મદદનીશ ટીડીઓ ભટ્ટી, સી.આઇ. મહેન્દ્ર ઠકકર, નિલમબેન ચૌહાણ, લતાબેન સોલંકી, ડો.સ્વર્ણકાર, ગ્રામજનો, કસબકારો, લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. બાદમાં ભૂજોડી સ્થિત આશાપુરા ફાઉન્ડેશન સંચાલિત વંદે માતરમ મેમોરિયલની રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીરે મુલાકાત લઇ, શહિદ વીરોના જીવન, કવન વિશે વાકેફ થયા હતા.