જળસંચયની ‘સુફીયાણી’ વાતો કરતા ‘રૂપાણી’ તળાવો અને પાણીના વહેણ પર દબાણ દુર કરવા ‘પાણી’ બતાવશે ?
ભુજ : સુજલામ સુફલામ જળ સંચય યોજના અંતર્ગત હાલ સમગ્ર કચ્છમાં તળાવો મોટા કરવાનું કામ ચાલુ છે. આ યોજના ફકત તાયફાઓ કરવા તેમજ હાલ સમગ્ર ગુજરાતમાં પાણીની વિકટ પરિિસ્થતિથી લોકોનું ધ્યાન હટાવવાના આશયથી શરૂ કરાઈ હોવાનું જાગૃત લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે. આવી યોજનાઓ વિરુદ્ધ અગાઉ પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. ત્યારે આવનારા સમયમાં સરકાર આ યોજનામાં જમીની ધોરણે કામ કરાવે અને ખોટા તાયફાઓમાં પબ્લિકના પૈસા ન વેડફે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. માધાપરમાં પણ ભુજના ધારાસભ્ય દ્વારા આ યોજના અંતર્ગત ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે માધાપરની વાત કરીએ તો અહીના વરિષ્ઠ નાગરિકોમાં એવું ચર્ચાઈ રહયું છે કે ફકત તળાવ ઉંડા કરવા તે જળ સંચય નથી. ખરેખર સાચા અર્થમાં જળ સંચયની યોજનાને સાર્થક કરવી હોય તો માધાપરમાં અનેક જગ્યાએ વરસાદી પાણીના વહેણ પર થયેલા દબાણ સરકારે દુર કરાવવા જોઈએ. તેમજ ભુજ માધાપર રોડ પર આવેલ મઢુલી પાસે વરસાદી પાણીના વહેણ પર અમુક કંપનીઓ દ્વારા કેમીકલ યુક્ત ઘન કચરો ખુલ્લામાં ફેંકવામાં આવ્યો છે અને પાણીના વહેણને અવરોધ ઉભો કરેલ છે.
જેના કારણે ચોમાસા દરમ્યાન વરસાદી પાણીમાં તણાઇ આ કેમીકલયુક્ત કચરો તળાવોમાં જશે જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા ગણાશે. આવી જ રીતે માધાપરમાં રાજાશાહી વખતના તળાવો અને તલાવડીઓમાં પણ બાંધકામ કરી દબાણ કરાયું છે. જેના કારણે રાજાશાહી વખતના પાણી સંગ્રહ કરતા તળાવો અને જળાશયો લુપ્ત થઈ રહ્યા છે. અને આ તળાવો અને નાની નાની તલાવડીઓમાં દબાણ કરી વગદાર લોકો ભાડેથી આપી અને આવક ઉભી કરી રહ્યા છે. માટે આ દબાણો દુર કરી અને જળ સંચયના ઉદેશ્યને સાચા અર્થમાં સાર્થક કરવા વરિષ્ઠ લોકોમાંથી માંગ ઉઠી રહી છે. માધાપર નવાવાસમાંથી પસાર થતી નદીના વહેણ પર પણ અનેક જગ્યાએ બીન જરૂરી બાંધકામો અને કોમ્પલેક્ષ ખડકી અને નદીના વહેણમાં પણ અવરોધ ઉભું કરાયું છે. તો વરસાદી નાળા પર પણ અમુક બિલ્ડરોએ સ્થાનિક તંત્રની મીલીભગતથી કોમ્પલેક્ષો અને હોટલોના બાંધકામો કરેલ છે. સમગ્ર કચ્છમાં આવા અનેક દબાણો થયેલા છે. માટે પાણીના વહેણને અવરોધતા તમામ દબાણો તંત્ર દુર કરશે ત્યારેજ સાચા અર્થમાં જળસંચય કરવાનો હેતુ સાર્થક થશે તેવું વરિષ્ઠ લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.