મુન્દ્રા તાલુકાના નાની તુંબડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું
ભુજ : તાજેતરમાં રાજય સરકાર દ્વારા લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે અને તે અંગે જાગરૂકતા કેળવાય તે અનુસંધાને મુન્દ્વા તાલુકાના નાની તુંબડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાની તુંબડીના ચાર સબ સેન્ટર રામાણીયા, મોટી ખાખર, બેરાજા અને પ્રાગપર-૨ ના અંતરિયાળ અગિયાર ગામો રામાણીયા, બેરાજા, મોટી તુંબડી, મોટી ખાખર, કારાઘોઘા, બરાયા, બોચા, બાબીયા, પ્રાગપર-૨, ટોડા અને ડેપા જેવા ૨૦ થી ૨૨ કિલોમીટર સુધીના ગામના લોકોને સરળતાથી પ્રાથમિક સારવાર મળી રહેશે. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે મુન્દ્રા-માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, જિ.પં.શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, તા.પ.ના પ્રમુખ રણજીતસિંહ તેમજ ડાહયાલાલ આહિર, મનીષાબેન કેશવાણી, માનબાઇ દનીચા, વાલજી ટાપરીયા, ગીરીશ છેડા તેમજ મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી વાયડા તેમજ જિલ્લા આરોગ્ય શાખામાંથી મુળુભા જાડેજા અને વિજયભાઇ પરમાર ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજીવ અંજારીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અંગે જાગરૂકતા કેળવાય તે અંગે આરોગ્યલક્ષી પોસ્ટર્સ, બેનર્સનું પ્રદર્શન યોજી લોકોને પેમ્પલેટ વિતરણ કરાયા હતા. તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓફિસર ડો.રૂચિતા ધુઆ અને મુન્દ્રા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા. તેવું તાલુકા હેલ્થ ઓફિસર, મુન્દ્રા-કચ્છની યાદીમાં જણાવાયું છે.