કચ્છની કોમીએકતા ખંડિત કરનારને કોઈ પણ સમાજના લોકોએ સપોર્ટ કરવો નહિ : હિન્દુ- મુસ્લિમ આગેવાનો સાથે પોલીસની બેઠક
ભુજ : છેલ્લા થોડાક સમયમાં માંડવી વિસ્તારમાં પોતાની અંગત અદાવતમાં સોશ્યલ મિડિયા પર ચેટીંગ કરી પોતાની અંગત અદાવતને સમાજનો પ્રશ્ન બનાવી કચ્છની કોમીએકતા તોડવા પ્રયાસો કર્યા છે. આવા લોકો વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોતાના અંગત હિત માટે હિન્દુ મુસ્લિમ સમાજના અમુક મુઠી ભર તત્વોએ સમાજમાં સ્થાન જમાવાના હેતુ થી બન્ને સમાજ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાય તેવા ઇરાદાથી ગુનો આચરેલ હોવાથી આ ફરિયાદો નોંધાઈ છે.
આ અનુસંધાને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની સુચનાથી આજે પોલીસ હેડ ક્વાર્ટર ભુજ મધ્યે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીલ્લાની કોમીએકતા તોડનાર કોઈ પણ સમાજની વ્યક્તિ વિરૂદ્ધ પોલીસ સખત કાર્યવાહી કરે અને આવા તત્વોને કોઈ પણ સમાજ દ્વારા પ્રોત્સાહન કે પીઠબળ આપવામાં નહિ આવે તેવું જણાવી બંને સમાજના આગેવાનોએ માંડવીની ઘટનાને વખોડી હતી. તેમજ આવા કિસ્સામાં કોઇ પણ આરોપીને કોઈ પણ વ્યક્તિ આશરો આપશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરાશે તેમજ જીલ્લામાં હિન્દુ મુસ્લિમ સમાજના અમુક વ્યક્તિઓ સોશયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવા મેસેજ કરતા હોય છે તેવા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સરકાર પક્ષે ફરિયાદી બની ગુનો નોંધી પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરશે માટે તમામ આગેવાનોએ પોતાના સમાજના યુવાનોને જાણ કરવા પોલીસે જણાવ્યું હતું.