કર્ણાટકમાં ભાજપની શામ, દામ, દંડ, ભેદની નીતિ સામે લોકતંત્રનો વિજય : કચ્છ કોંગ્રેસે ભુજ મધ્યે કરી ઉજવણી
ભુજ : કર્ણાટકમાં ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિથી ગેરકાયદેસર રીતે સતા અને પૈસાના જોરે સરકાર બનાવવાનું સ્વપ્ન સાકાર ન થયો અને સત્યનો વિજય થયો છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જે.ડી. એસ. પાસે સ્પષ્ટ બહુમત હોવા છતાં સતાનો દુરુપયોગ કરીને ભાજપ ને સરકાર રચવાનો આમંત્રણ રાજયપાલ દ્વારા પાઠવવામાં આવ્યું જે લોકશાહીની હત્યા સમાન કૃત્ય હતું પણ ન્યાયતંત્રએ સાબીત કર્યું કે દેશમાં લોકશાહી હજી જીવંત છે તેવું જિલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે. આ બાબતે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કાર્યાલય મધ્યે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
વધુમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જયવિરસિંહ જાડેજાએ જણાવ્યું કે કર્ણાટક વિધાનસભામાં આજરોજ માત્ર એક દિવસ બની બેઠેલા મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ વિશ્વાસ મત સાબીત કરવા બાબતે નિષ્ફળ જતા એક દિવસના મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું હતું. લોકશાહીની જીત થઈ અને અને પ્રજા સમક્ષ ભાજપની શામ, દામ, દંડ, ભેદની નીતિ સ્પષ્ટ થઈ હતી. ભાજપ સરકાર બનાવવા કેવા કેવા હથકંડા અપનાવે છે તે સમગ્ર દેશની પ્રજાએ જોયું. પણ દેશમાં ન્યાયતંત્ર અને લોકશાહી જીવંત છે અને સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજીત નહી. લોકશાહી તથા સત્યની જીતને બિરદાવી જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ તથા પ્રદેશ કક્ષાના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહીને જીતની ઉજવણી કરી હતી.