ભુજ પાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની ફીરાકમાં ?
ભુજ : શહેરની નગરપાલિકાના સતાધિશો પ્રજાના લાખો રૂપિયા ચાઉં કરી જવાની તૈયારી કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નગરપાલિકાના સફાઈ કામના નવા ટેન્ડરમાં લાખો રૂપિયાનું ભ્રષ્ટાચાર થવાની આશંક સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી માનસી શાહ દ્વારા ચીફ ઓફિસરને નવા ટેન્ડરમાં અનેક મુદે સ્પષ્ટતા કરવા રજૂઆત કરાઇ છે. આ બાબતે વોઇસ ઓફ કચ્છ ન્યુઝ સાથે વાત કરતા માનસી શાહએ જણાવ્યું હતું કે હાલના ટેન્ડરમાં સફાઈ કર્મચારીઓ તેમજ સફાઈ માટે સાધન સામગ્રી જરૂર કરતા 50% ઓછી રાખવામાં આવે છે અને બીલ જેટલા કર્મચારીઓ કે સાધન સામગ્રી જરૂર છે તેના પ્રમાણે બનાવવામાં આવે છે. અને આ વધારે કર્મચારીઓ અને સાધનોના ઉઘરાવેલ રૂપિયા સતાધિશોના ખિસ્સામાં જાય છે. આ ભ્રષ્ટાચારના કારણે ભુજમાં ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા છે અને સફાઇ થતી નથી.
હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા 25 લાખ રૂપિયાનું સફાઈ કામનું નવું ટેન્ડર આપવાની તૈયારી થઈ રહી છે. જેમાં પોતાના મળતીયાને ટેન્ડર આપી અને સતાધિશો દ્વારા ભ્રષ્ટાચાર આચરાસે તેવી ગંધ આવી રહી હોવાથી ટેન્ડર બાબતે વિવિધ મુદે સ્પષ્ટતા કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં નવા ટેન્ડરમાં કેટલાક કર્મચારીઓ રાખવામાં આવશે અને વોર્ડ દીઠ કેટલા સફાઈ કર્મીઓ રાખવામાં આવશે, દરેક વોર્ડમાં સફાઈ માટે કેટલા ટ્રેકટર અને લોડર હશે તે નગરપાલિકાના હશે કે કોન્ટ્રાકટરના, ડોર ટુ ડોર કચરો ઉપાડવા કેટલાક કર્મચારીઓ રાખવામાં આવશે, તેમજ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ થાય છે કે કેમ તેની ખરાઇ કરવા માટે દશ-દશ દિવસે વોર્ડના કાઉન્સિલર અને જાગૃત નાગરિકોની સહી લેવામાં આવે આ તમામ મુદ્દાઓની નવા ટેન્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવે જેથી ભ્રષ્ટાચાર અટકાવી શકાય અને પ્રજાના પૈસાનો પાણી ન થાય. જો આ બાબતે યોગ્ય ન થાય તો નામદાર કોર્ટમાં આગળની લડત ચલાવવામાં આવશે તેવું જિલ્લા કોંગ્રેસ મંત્રી માનસી શાહએ જણાવ્યું છે.