ધર્મ સ્થાન તોડફોડ કરનાર ગુનેગારને ન પકડી શકે તેવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો : જુમા રાયમાં
ગાંધીધામ : દરગાહ તોડફોડ પ્રકરણે અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મંત્રી જુમા રાયમાએ આજે પ્રેસનોટ જારી કરી છે. જેમા જણાવાયું છે કે કચ્છ જિલ્લની કોમી એકતા વિશ્વમાં વિખ્યાત છે. તાજેતરમાં અમુક અસામાજિક તત્વોએ દરગાહ તેમજ ભુજના શિવ મંદિરને પણ નુકશાન પહોંચાડેલ છે જેનાથી સાબીત થાય છે કે આ ચોકકસ રણનીતિ ભર્યું ષડયંત્ર છે. અમુક અસામાજિક તત્વોને કચ્છની કોમી એકતા આંખમાં કણાની જેમ ખુંચે છે. આવી ટોળકિઓ અનેક વખત સોશ્યલ મિડિયા તેમજ જાહેર મંચો પરથી મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણ કરી કોમી એકતાને પલીતો ચાંપવાની કોશીસ કરે છે. આવા લોકોને પોલીસ તંત્ર સારી રીતે ઓળખે છે છતાંય પકડતા નથી તે શરમજનક બાબત છે. આવા તત્વોને પોલીસ છાવરી રહી છે ? કે પછી રાજકીય આકાઓનો દબાણ છે ? આવતી કાલે કચ્છનો મુસ્લિમ સમાજ આ બાબતે રેલી યોજી શાંતિ પૂર્વક વિરોધ દર્શાવવા જઇ રહયો છે ત્યારે પોલીસમાં જરાય પણ નૈતિકતા હોય તો આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા જોઈએ.
તેમજ આ મુદે છેક ચાર મહિના બાદ ભાજપના આગેવાન પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ અખબારી નિવેદન આપી મગરમચ્છનાં આંસુ સારી રહયા છે. બનાવ બન્યો ત્યારે તમે કયાં હતા. ગુજરાતમાં ભાજપની સરકાર છે ત્યારે છબીલદાસ પટેલ પોતાની સરકારમાં રજૂઆત કરી અધિકારીઓની જવાબદારી ફિક્સ કરાવે અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરાવે અને જો તે અધિકારીઓ ન કરી શકે તો તેને સસ્પેન્ડ કરાવવામાં આવે ત્યારે માનવામાં આવે કે મુસ્લિમ સમાજ પ્રત્યે તમારી હમદર્દી સાચી છે. તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઘટના બની ત્યાં રૂબરૂ મુલાકાત લીધી અને ગુનેગાર પકડવા પોલીસને રજૂઆત પણ કરી છે. અને કોંગ્રેસ માંથી રાજીનામાં આપનાર આગેવાનોની માંગ યોગ્ય છે તે બાબતે પણ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરાઇ છે અને આ બાબતે ટુંક સમયમાં પ્રભારી આવી તેનો યોગ્ય નિકાલ કરશે. સૂફી સંતોની દરગાહ પર જેટલી મુસ્લિમ સમાજની શ્રધ્ધા છે તેટલી જ હિન્દુ ભાઇઓની પણ શ્રધ્ધા છે માટે હિન્દુ ભાઇઓએ પણ આ કાલની રેલીમાં જોડાય અને કચ્છની કોમી એકતાને ઉજાગર કરે તેવી અપીલ જુમા રાયમાએ કરી છે. તેમજ મુસ્લિમ સમાજના લોકો વધુને વધુ સંખ્યામાં આ રેલીમાં જોડાઈ અને લોકશાહિ ઢબે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરે અને તેના માચ માટે તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી અપીલ જુમા રાયમા દ્વારા અખબારી યાદીમાં કરાઈ છે.