મુસ્લિમ સમાજ મહારેલી : ધાર્મિક મુદો કયાંય રાજકીય વણાક ન લઈ લે
તંત્રી લેખ : કચ્છમાં દરગાહોને નુકશાન પહોંચાડવાના બનાવમાં પોલીસ તંત્ર હજી સુધી આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહેવાના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા 7 મી એપ્રિલે મુસ્લિમ સમાજની મહારેલી યોજી અને તંત્ર સામે લોકશાહિ ઢબે વિરોધ નોંધાવાની જાહેરાત કરી છે. આ મહારેલીમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે. ત્યારે આ સમગ્ર મુદે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં જ બહુજન મુક્તિ મોરચા દ્વારા આ રેલીને સમર્થન આપવામાં આવ્યું છે તો અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલ દ્વારા પણ આ મુદે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે. જો સમાજ પ્રત્યે સહાનૂભુતી માટે સમર્થન આપયું હોય તો તે આવકાર્ય છે. પણ તેનું રાજકીય ઉપયોગ મુસ્લિમ સમાજ માટે નુકશાન કારક સાબીત થઈ શકે છે.
જયારે 95% મુસ્લિમ વોટ મેળવનાર કોંગ્રેસનું જિલ્લા સંગઠન આ બાબતે મૌન છે તેવા સમયમાં અન્ય રાજકીય પાર્ટી કે પાર્ટીના આગેવાન આ મુદો ઉપાડે ત્યારે આ મુદાની આસપાસ રાજકીય હલચલ હોય તે વાત સ્વાભાવિક છે. માટે આ ધાર્મિક મુદો ધાર્મિક રહે અને રાજકીય ઉપયોગ ન થાય તેની તકેદારી મુસ્લિમ અગ્રણીઓએ રાખવી પડશે નહીંતર મુસ્લિમ સમાજની રેલીનું રાજકીય ઉપયોગ થઈ જશે જેનું નુકશાન મુસ્લિમ સમાજને ભોગવવું પડશે.આ મુદાનો રાજકીય લાભ લેવા મુસ્લિમ સમાજની રેલીમાં કોઈ રાજકીય આગેવાનોના ઇશારે બહારના અસામાજિક તત્વો કાંકરીચાળો કરી અને કચ્છની કોમી એકતાને પલીતો ચાંપવાની કોશીસ ન કરે તેની રેલી દરમ્યાન ખાસ તકેદારી તંત્રએ રાખી તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવું જરૂરી છે.