કચ્છમાં મંદિરને નુકશાન થયું હોત તો નરેન્દ્રભાઇ ડહાપણ કરવા જરૂર આવત : જીજ્ઞેશ મેવાણી
ભુજ : વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આજે દરગાહ તોડફોડ મુદે ઉપવાસ પર બેઠેલ મુસ્લિમ સમાજના આગેવાનોની છાવણીની મુલાકાત લીધી હતી. ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે દરગાહ હોય કે મંદિર ધર્મ સ્થાનો સાથે લોકોની આસ્થા જોડાયેલ છે. ધર્મ સ્થાન તોડફોડ બાબતે કાયદો એમ કે છે કે તાત્કાલિક કેસ નોંધી અને ચર્જસીટ કરવી જોઈએ પણ ચર્જસીટ ત્યારે થાય જયારે ગુનેગાર પકડાય છ દરગાહો ટુટવા બાબતે હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. જો મંદિરને નુકશાન થયું હોત તો નરેન્દ્રભાઇ ડહાપણ કરવા જરૂર કચ્છ આવત તેવું કહી વડાપ્રધાન નરેંન્દ્ર મોદી પર તંજ કસ્યું હતું. દરગાહ તોડફોડ મામલે બંધારણના દાયરામાં રહી એક લાખ મુસ્લિમોએ શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો છતાય તંત્રના પેટનું પાણી ન હાલ્યું તો હવે જીજ્ઞેશ મેવાણી ફરીથી સમખીયારી ચક્કાજામ કરવા અને ગાંધીનગર કુચ કરવા પણ તૈયાર છે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
વધુમાં જણાવ્યું કે આ કૃત્યોને મુળ મુદાઓ જેવાકે રોટી, કપડા, મકાન અને શિક્ષણ આરોગ્ય જેવા મુદાથી ધ્યાન ભટકાવવા અંજામ આપાઇ રહયું છે. માટે આપણે સ્મશાન અને કબ્રસ્તાનની રાજનીતિમાં ન પડવું જોઇએ આ પ્રકારની રાજનીતિ ગાંધીનગર, દિલ્હી અને નાગપુરથી સંચાલન કરવામાં આવે છે. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે નલીયા દુષ્કર્મ કાંડનું રીપોર્ટ બહાર પડવો જોઇએ જેથી આમાં ગાંધીનગરના કયા મંત્રીઓની સંડોવણી છે તે સામે આવે વધુમાં કઠુઆ, ઉનાવ અને સુરત દુષ્કર્મ મામલે પ્રધાનમંત્રીની ચુપકીદી તેમનાં કરેકટર તરફ ઇશારો કરે છે તેવો આક્ષેપ કર્યો હતો. તેમજ મુસ્લિમ સમાજે જો કાર્યવાહી ન થાય તો જુમ્માની નમાઝ કલેકટર કચેરી સામે અદા કરવામાં આવશે તેવું જણાવ્યું છે આ બાબતે જીજ્ઞેશ મેવાણીએ જુમ્માની નમાઝ પડી દુષ્કર્મ પીડિતાઓ ના ન્યાય માટે દુઆ કરવા મુસ્લિમ સમાજને અપીલ કરી હતી. અને આવનારા સમયમાં સામખીયારી ચક્કાજામ દરગાહ તોડફોડની તપાસ માટે SIT ની રચના તેમજ નલીયા કાંડના રીપોર્ટ બહાર પાડવાના મુદા પર કરવાનું જણાવ્યું છે.