દરગાહ તોડફોડ મુદે કાર્યવાહીમાં તંત્ર નિષ્ફળ જતાં ઉપવાસ પર બેઠેલ મુસ્લિમ સમાજની છાવણીમાં જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા
ભુજ : કચ્છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ 7 એપ્રિલે મહારેલીનું આયોજન કરાયું હતું જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લઈ અને શાંતિપૂર્ણ રીતે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 10 દિવસ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાય તો કચ્છના મુસ્લિમ આગેવાનો આગામી 17 એપ્રિલે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચેતવણી તંત્રને આપી હતી. ત્યારે આ બાબતે તપાસ કરવા અમદાવાદ ATS ની મદદ લેવાઈ છતાંય આરોપી સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
માટે કાલે સવારથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની આગેવાનીમાં મુસ્લિમ આગેવાનો કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે. અને તંત્ર જયાં સુધી આરોપીને પકડશે નહી ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તેવું મુસ્લિમ અગ્રણીઓએ જણાવ્યું છે. આ મુદે 10 એપ્રિલના મુસ્લિમ અગ્રણીઓએ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કરી હતી જેમાં જીજ્ઞેશ મેવાણીએ 18 તારીખે પોતે હાજર રહેશે તેવું જણાવ્યું હતું. ત્યારે આજે વડગામના ધારાસભ્ય દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ એક દિવસ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ઉપવાસ કરી તંત્ર સમક્ષ કાર્યવાહી કરવા વિરોધ નોંધાવવા હમણાજ પહોંચ્યા છે. અને તેઓ આજે સાંજ સુધી મુસ્લિમ સમાજ સાથે ધરણા કરશે અને આવનારા સમયમાં મુસ્લિમ સમાજ સાથે ન્યાય માટે લડત કરવાના છે.