દરગાહ તોડફોડ મુદે 18 મીએ મુસ્લિમ સમાજ સાથે જીજ્ઞેશ મેવાણી કરશે ધરણા
ભુજ : કચ્છમાં છેલ્લા ચાર મહિનામાં છ દરગાહોને અસામાજિક તત્વો દ્વારા નુકશાન પહોંચાડી કોમી વૈમનસ્ય ફેલાવાનો કારસો રચ્યો છે. આ મુદે તંત્ર દ્વારા કાર્યવાહી ન થઇ હોવાના કારણે તંત્ર સમક્ષ વિરોધ નોંધાવા અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ 7 એપ્રિલે મહારેલીનું આયોજન કરાયું હતું જેમા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ભાગ લઈ અને શાંતિપૂર્ણ રીતે રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 10 દિવસ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાય તો કચ્છના મુસ્લિમ આગેવાનો આગામી 17 એપ્રિલે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચેતવણી તંત્રને આપી હતી. આજે બપોરે વડગામના ધારાસભ્ય દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણી ભુજ મુલાકાતે આવ્યા છે. મેવાણીએ બપોરે સર્કીટ હાઉસમાં મુસ્લિમ આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હતી.
આ બાબતે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ ઇબ્રાહીમ હાલેપોત્રાએ ‘વોઇસ ઓફ કચ્છ’ ન્યુઝ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આજે બપોરે જીજ્ઞેશ મેવાણીએ અમને મુલાકાત માટે બોલાવ્યા અને હું અને મારા સાથી આગેવાન આદમ ચાકી, આદમ પઢેયાર અને સતાર માંજોઠી તેમને મળ્યા હતા. તેઓએ આ મુદે અમારા સાથે ચર્ચા કરી જેમાં અમે જણાવ્યું કે તેઓ મુસ્લિમ બહુલ ક્ષેત્ર માંથી ચૂંટાયા છે તયારે આ લડતમા અમને સહયોગ આપે અને બાબતે કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ રજુઆત કરે અમારી રજૂઆત સાંભળી તેઓએ આગામિ 18 એપ્રિલે પોતાના વિસ્તારના કાર્યકરો સાથે 4 બસો ભરી અને ભુજમાં મુસ્લિમ સમાજના ધરણામાં જોડાશે અને એક દિવસ મુસ્લિમ આગેવાનો સાથે ધરણા કરશે અને આ મુદે તંત્ર વિરૂદ્ધ લડત ચલાવશે તેવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણી આંદોલન સાથે સંકળાયેલ ચહેરો છે ત્યારે મુસ્લિમ સમાજના આંદોલનને ટેકો આપતા આગામિ સમયમાં તંત્રની મુશ્કેલી વધી શકે છે.