માધાપર અનધિકૃત બાંધકામ અને ખોટા દસ્તાવેજ બાબતે કલેકટરના આદેશની અવગણના
ભુજ : માર્ચ મહિનામાં યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં માધાપર ક્ષત્રિય સમાજવાડી પાસે પ્લોટો પર ભાડાની મંજુરી વગર થઈ રહેલ બાંધકામ તેમજ ખોટી વિગતો દર્શાવી બનાવવામાં આવેલ દસ્તાવેજ બાબતે રજુઆત કરવામાં આવી હતી. જે બાબતે કલેકટર કચેરીએથી તપાસ કરી અહેવાલ રજૂ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કલેકટરના આ આદેશની અવગણના કરી કોઇ ઠોસ કાર્યવાહી સંલગ્ન અધિકારીઓ દ્વારા હજી સુધી થયેલ નથી જેથી કલેકટરના આદેશને અવગણી અને અધિકારીઓ બિલ્ડરોને છાવરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. અનધિકૃત બાંધકામ બાબતે ભાડા દ્વારા નોટીસ પાઠવાઇ છે તેવો જવાબ ભાડાએ સ્વાગત કાર્યક્રમમાં રજુ કર્યો છે. નોટિસમાં જણાવાયું છે કે આ બાંધકામ દિવસ 7 માં બંધ કરી અને થયેલ બાંધકામ તોડી પાડવામાં આવે, આજે 14 દિવસ થયા છતાં બાંધકામ પહેલા કરતા બમણી ગતિએ થઈ રહ્યું છે પણ તેને બંધ કરાવવા હજુ સુધી કોઈ અધિકારી ફરકયા સુધ્ધાં નથી ત્યારે એવો આભાસ થાય છે કે ભાડાની નોટિસથી બિલ્ડરને જાણે બાંધકામ કરવાની પરવાનગી મળી ગઈ છે. આવી નોટિસોની આડમાં કયાંય ભ્રષ્ટાચાર તો નથી આચરીઈ રહ્યો ને? તે પણ તપાસનો વિષય છે.
તેવી જ રીતે ખોટી બાંધકામ મંજુરી ઉભી કરી તેમજ સ્ટેમ્પ ડયુટી ચોરી કરવા બાબતે સબરજીસ્ટ્રારે જણાવ્યું હતું કે સ્ટેમ્પ ડયુટી ચોરી બાબતે અમે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટીને કાર્યવાહી કરવા જાણ કરશું તેમજ ખોટી બાંધકામ મંજૂરીની તપાસ માટે પંચાયતને પત્ર લખેલ છે આ બાબતે પંચાયતની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું કે સબરજીસ્ટ્રારે લખેલ પત્ર અહીં પહોંચ્યો જ નથી !જેના પરથી સાબિત થાય છે કે સબરજીસ્ટ્રારે કલેકટરની આંખમાં ધુળ નાખી ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દર્યા છે જે અત્યંત ગંભીર બાબત છે. સ્ટેમ્પ ડયુટી મામલે અરજદારે તમામ પુરાવા રજુ કર્યા હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરાઈ નથી જે બાબત પરથી ફલિત થાય છે કે અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે કંઈક સબંધ જરૂર છે, જેથી બિલ્ડર પર કાર્યવાહી થતી નથી. જો એવું ન હોય તો કાર્યવાહી ન કરવા પછળ શું કારણ હોઈ શકે ? અત્યારે કાર્યવાહી નહી કરાયતો શું બિલ્ડર આખું બાંધકામ કરી બિલ્ડીંગ વેંચી નાખશે પછી કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ પ્રશ્ન જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પેંડીંગ છે જેથી કલેકટર દ્વારા વહેલી તકે તપાસમાં ઢીલ મુકનાર તેમજ આદેશનું પાલન ન કરનાર અધિકારી વિરુદ્ધ પગલા લેવા જોઈએં તેમજ આ સમગ્ર પ્રકરણે તાત્કાલિક તપાસ કરાવી કલેકટર દ્વારા ધાક બેસાડતો નિર્ણય લેવામાં આવે તે સમયની માંગ છે.