નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા બાળ મજુરો કામે રખાતા હોવાનો આક્ષેપ
ભુજ : શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઇનનું કામ ચાલુ છે. આ કામમાં કોન્ટ્રાકટર દ્વારા બાળ મજુરો કામે રાખી બાળ મજૂરીના કાયદાનો ભંગ થઈ રહયો હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર અલીમામદ હસન સમાએ કર્યો છે. કલેકટર કચ્છને લખેલ પત્રમાં જણાવાયું છે કે બસ સ્ટેશન વિસ્તારમાં જે પાણીની લાઇનનું કામ ચાલુ છે તેમાં બાળ મજુરો રખાયા છે.
આ કામ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાકટરને અપાયું છે. જેમાં નાના બાળકોને કામે રાખી નજીવો વેતન આપી અને શોષણ કરવામાં આવે છે. સરકાર દ્વારા બાળ મજુરી રોકવા બાબતે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. ત્યારે ભુજમાં આવી રીતે અનેક જગ્યાએ બાળકોને મજુરી કામમાં રાખવામાં આવે છે છતાંય બાળકોને કામે રાખનારા પર કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા કલેકટર સમક્ષ માંગ કરાઈ છે.