દુષ્કર્મની ઘટના વિરુદ્ધ સમગ્ર દેશની સાથે કચ્છમાં રોષ : આજે ભુજમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ
ભુજ : તાજેતરમાં દેશમાં કઠુઆ, સાસારામ, ઉનાવ અને સુરતમાં દુષ્કર્મની શરમજનક ઘટનાઓ બની છે. આ ઘટનાઓ વિરુદ્ધ રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજી લોકો રસ્તા પર ઉતર્યા છે. જેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. કચ્છમાં ગઈ કાલે માધાપર અને ગાંધીધામમાં કેન્ડલ માર્ચ નું આયોજન કરાયું હતું. તો આજે સાંજે હમીરસર તળાવ પાસે વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું.
વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ તેમજ શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં આ કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત રહી ગુનેગારોને સજા આપવા માંગ કરી હતી. આવું કૃત્ય કરનારાને કડકમાં કડક સજા થાય જેથી કરી આવનારા સમયમાં આવા બનાવો દેશમાં ન બને તેવી માંગ માર્ચમાં ઉપસ્થિત સંસ્થાઓએ કરી હતી. અને સુરત અને કઠુઆમાં નાની દિકરીઓ પર દુષ્કર્મ કરી ક્રૂરતાથી હત્યા કરવામાં આવી તે દિકરીઓને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.