ભુજમાં એક લાખ જેટલા લોકો જોડાઇ શાંતિપૂર્ણ મહારેલી પુર્ણ કરી મુસ્લિમ સમાજ ‘અમન પસંદ’ હોવાનો સંદેશ આપ્યો
ભુજ : આજે ભુજમાં મુસ્લિમ સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સવારથી જ મોટી સંખ્યામાં ભીડનાકે સમગ્ર કચ્છ માંથી મુસ્લિમ સમાજના લોકો પહોંચ્યા હતા. સવારે મેમણ મુસાફર ખાના પાસે તમામ લોકો ભેગા થઈ અને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નાકળ્યા હતા. આ રેલીમાં મુસ્લિમ સમાજના આલિમો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો સમગ્ર કચ્છમાંથી જોડાયા હતા. રેલી ભીડગેટ થી થઈ અને વી.ડી. હાઇસ્કૂલ થી જ્યુબિલી ગ્રાઉન્ડ થી પસાર થઈ અને કલેકટર ઓફીસે પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર રેલીમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયું હતું.
આ મહારેલીનું કોંગ્રેસ તેમજ કરણી સેનાએ સમર્થન કરી અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત કરાઈ હતી જેમાં કરણી સેનાના આગેવાન તેમજ અબડાસાના ધારાસભ્ય સાથે કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા. રેલી પૂર્ણ થતા મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે અમારી શાંતિને કમજોરી સમજવામાં ન આવે અને તાત્કાલિક ગુનેગારોને પકડવામાં આવે તેવી માંગ સાથે તંત્રને સાત દિવસનો અલ્ટીમેટમ અપાયું છે જો સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આગેવાનોએ ઉચ્ચારી હતી. રેલી પૂર્ણ થતા ડેપ્યુટી કલેકટરે રૂબરૂ આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું. એકલાખ જેટલા લોકો એકઠા થયા છતાંય કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યું અને શાંતિપૂર્ણ રેલી પાર પાડી મુસ્લિમ સમાજે અમન પસંદ કોમ હોવાનું સાબિત કર્યું હોવાનું રેલીમાં હાજર અન્ય સમાજના લોકોમાં ચર્ચાઈ રહયું છે.