ધર્મ સ્થાનોને નુકશાન કરવાના હજી વધુ બનાવો બની શકે છે : કચ્છની પ્રજા સતર્ક રહે
ભુજ : અબડાસામાં બે મહીનામાં તબક્કાવાર ત્રણ દરગાહોને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ બની છે. આ ઘટનાઓ કોમી એકતાને પલીતો ચાંપવા માટે મોટું રાજકીય ષડયંત્ર રચી અંજામ અપાઈ હોવાની વાત જીલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રફીક મારાએ કરી છે. કારણ કે અબડાસાની કોમી એકતા ફકત કચ્છ જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે એક મિશાલ છે. જે અમુક લોકોની આંખમાં કણાની જેમ ખુંચે છે માટે આવા પ્રકરણો અન્ય ધર્મના ધાર્મિક સ્થળોએ બને તેવી પુરે પુરી શકયતા છે. મુસ્લિમ સમાજની ત્રણ દરગાહોને ટાર્ગેટ કરી હવે અન્ય ધર્મના પવિત્ર સ્થળોને ટાર્ગેટ કરી કોમીવૈમનસ્ય ફેલાવાનો પ્લાનીંગ ગોઠવાયું હોય તેવું જણાઈ રહ્યું છે.
આવા ષડયંત્રનો રચવાનો ઇરાદો એક જ છે કે કચ્છમાં કોમી વૈમનસ્ય ફેલાવી અને મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવું અને કોઇ ચોક્કસ પક્ષને ફાયદો પહોચાડવું જેના માટે અમુક લોકો કચ્છમાં સક્રિય થયા છે. તેમજ આ પ્રકરણમાં પોલીસની નિષ્ક્રીયતા જવાબદાર છે. એક-એક કરીને ત્રણ બનાવો બન્યા છતા પોલીસ હજી આરોપી સુધી પહોંચી નથી જે બાબત ગણું બધું કહી જાય છે. વધારેમાં જણાવ્યું કે અન્ય ધર્મના ધાર્મિક સ્થળોએ નુકશાન પહોંચાડવા અગાઉ અંજારમાં એક અળધા પાગલ મુસ્લિમ યુવાનને હાથો બનાવી અને આવા કૃત્યને અમુક રાજકીય લોકોએ અંજામ અપાવ્યું હતું જે બાબતને ધ્યાને લઈ રફીક મારાએ જણાવ્યું કે મુસ્લિમ સમાજના યુવાનો અને અળધા ગાંડા લોકોને મારી અપીલ છે કે આ ષડયંત્રમાં કોઈનો હાથો બની ખોટું પગલું ભરવું નહીં અને તમામ ધર્મના પવિત્ર સ્થળનું માન જાળવવું એ આપણી ફરજ છે અને કચ્છના તમામ ધર્મના લોકો સતર્ક રહી અફવાઓ પર ધ્યાન ન આપી અને સચ્ચાઇ સાથે રહે તેવી અપીલ કરી છે.