માંડવી તાલુકા પંચાયત બચાવવામાં કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ : તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જો
માંડવી : વર્ષ 2015 માં યોજાયેલ તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં સમગ્ર ગુજરાતની તુલનાએ કચ્છ કોંગ્રેસનો પ્રદર્શન ખરાબ રહ્યું હતું. કોંગ્રેસના ફાળે દશ માંથી બે તાલુકા પંચાયત આવી હતી. માંડવી તાલુકા પંચાયતમાં શરૂઆતથી જ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી ન શકી જેના કારણે પ્રમુખ-ઉપપ્રમુખ કોંગ્રેસના બન્યા પણ કારોબારી ચેરમેનની રચનામાં કોંગ્રેસમાંથી ચુંટાયેલ સભ્યોએ જ ભાજપના ઉમેદવારને વોટ આપતા કારોબારી ચેરમેનનો પદ ભાજપને પાસે ચાલ્યું ગયું. આ પક્ષ વિરોધી મતદાન કરનાર સભ્ય વિરૂદ્ધ પાર્ટીએ કોઈ જ કાર્યવાહી ન કરતા પ્રજામાંથી કોંગ્રેસના આગેવાનોએ માંડવીમાં ભાજપથી સેટીંગ કર્યું હોવાના આક્ષેપ થવા લાગ્યા હતા. ત્યારે આજે સવારે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના લોક સંપર્ક કાર્યાલય ઉદઘાટન પ્રસંગે
કોંગ્રેસના માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ ગંગાબેન સેંઘાણી, દરશડી બેઠક પરથી ચુંટાયેલ સવિતાબેન પટેલ, અને રાયણ બેઠક પરથી ચુંટાયેલ વાડીલાલ પટેલ ભાજપના જીલ્લા તેમજ પ્રદેશ કક્ષાના હોદેદારો અને પદાધિકારીઓની ઉપસ્થિતી વચ્ચે કેસરી ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં જોડાયા હતા. આ સાથે ભાજપના સભ્યોની સંખ્યા 12 થઈ જતા માંડવી તાલુકા પંચાયત પર ભાજપે કબ્જો કર્યો છે. ત્યારે આ બાબતે કોંગ્રેસની નિષ્ફળ નેતાગીરી જવાબદાર છે અને કચ્છમાં કોંગ્રેસની આ પરિસ્થિતિ ફકત અને ફક્ત કોંગ્રેસના આગેવાનોની અણ આવડતના કારણે થઈ હોવાનું રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો પાર્ટીએ કારોબારી ચેરમેનની વરણીમાં પક્ષ વિરોધી મતદાન કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતો તો આ પરિસ્થિતિ ઉભી ન થાત તેવું જાગૃતોમાં ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી સાથે વાત કરતા તેમણે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ સભ્યો પક્ષ વિરોધી વલણ અપનાવશે તો પંચાયત ધારા પ્રમાણે પાર્ટી આ સભ્યો ઉપર કાર્યવાહી કરશે તેવું જણાવ્યું હતું.