કાયદા અને નિયમોનું છેદ ઉડાડી બનાવવામાં આવેલ ‘વંદે માતરમ્ મેમોરિયલ’ ને સીલ કરવા રજુઆત
ભુજ : ભુજોડી ગામે આવેલ કચ્છ નવ નિર્માણ ટ્રસ્ટ નિર્મિત ‘વંદે માતરમ્ મેમોરિયલ’ બાંધકામ તેમજ બિનખેતીના નિયમોનું ભંગ કરી બનાવવામાં આવ્યો હોવાથી આ મેમોરિયલને સીલ કરવા આર.ટી.આઇ એકટીવીસ્ટ અને એડવોકેટ એચ.એસ. આહિરે રજુઆત કરી છે. આ બાબતે માર્ચ મહિનાના જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરાઈ હતી. રજુઆતમાં જણાવાયું છે કે આ મેમોરિયલનું બાંધકામ સક્ષમ કક્ષાએથી મંજુરી લીધા વગર કરવામાં આવ્યું છે. તેમજ નિયમ મુજબ 27 ફુટ હાઇટની મંજુરી મળી શકે છે જયારે મેમોરિયલની હાઇટ 55 ફુટ જેટલી છે. કચ્છ જીલ્લો ભુકંપ જોનમાં આવતું હોવાથી નિયમ મુજબ આર.સી.સી ડિઝાઇન પણ સક્ષમ કક્ષાએથી મંજુર કરાવવામાં આવી નથી.
આ મેમોરિયલ સાંસદ ભવન જેવી ઐતિહાસિક ધરોહરનું ડુપ્લીકેટ બનાવવામાં આવ્યું છે જેથી આર્કિટેક એકટનું ભંગ થાય છે. તેમજ આ મેમોરિયલમાં આવતા પ્રવાસીઓ પાસેથી આર્થીક લાભ માટે નવ નિર્માણ ટ્રસ્ટ અને આશાપુરા ફાઉન્ડેશન વીઝીટ ચાર્જ વસુલી રહ્યા છે જે બાબત નિયમ વિરુદ્ધ છે. આ મેમોરિયલ જે જગ્યાએ બનેલ છે તે જમીન શિક્ષણ અને આરોગ્યના હેતુ માટે બિનખેતી થયેલ છે પણ આ જગ્યાએ આવી કોઈ પ્રવૃત્તિઓ થતી નથી જેથી બિનખેતીની શરતોનું પણ ભંગ થઈ રહ્યો છે. આ રીતે અનેક સરકારી નિયમો અને કાયદાનું ભંગ કરી આ મેમોરિયલ બનાવવામાં આવ્યું છે જેથી વંદે માતરમ્ મેમોરિયલ ને સીલ કરી ખુલ્લેઆમ નિયમો અને કાયદાનું ભંગ કરી મેમોરિયલ બનાવનાર તમામ જવાબદારો વિરુદ્ધ નિયમાનુસાર ફોજદારી રાહે પગલા લેવા રજુઆત કરાઈ છે. આ પ્રશ્ન જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં પેંડીંગ રાખવામાં આવતા આ બાબતે આવનારા સમયમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.