મીરઝાપર રોડ સ્થિત પાવર ફિટનેસ જીમને લાગ્યા સરકારી સીલ : માધાપરના આવા બાંધકામોને તંત્ર કયારે મારશે તાળા
ભુજ : મીરઝાપર રોડ પર આવેલી પાવર ફિટનેસ જીમને આજે ભાડાના અધિકારીઓની હાજરીમાં સીલ કરી દેવામાં આવી છે. આ જીમ વિરુદ્ધ 2012 થી જાગૃત લોકોએ ફરિયાદો કરી હતી. આ જીમનું બાંધકામ ભાડાની મંજુરી વગર કરવામાં આવ્યું હતું આ ફરિયાદો સંદર્ભે ભાડા દ્વારા સતત નોટીસો કરવામાં આવી હતી. આજે પાંચ વર્ષ બાદ આ બિલ્ડીંગને ભાડાએ સીલ કરી નાખી છે. આ બાબતે કચ્છ હિતરક્ષક સમિતિના રમેશ ગરવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કરછ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સાથી દતેશ ભાવસાર સાથે ગેરકાયદેસર બાંધકામ વિરૂદ્ધ જે ઝુંબેશ શરૂ કર્યું છે તેમા હોસ્પિટલ રોડ સ્થિત દિલ્હી વાલા કોમ્પલેક્ષ પછીની આ બીજી સફળતા અમારી લડતને મળી છે. અને ભુજમાં હજી આવા 50 જેટલા ગેરકાયદેસર બાંધકામ વિરૂદ્ધ અમે લડત ચલાવશું મોડેથી જરૂર પણ સત્યનો હંમેશા વિજય થાય છે તેવું રમેશ ગરવાએ જણાવ્યું હતું.
ત્યારે આ પ્રકારના બાંધકામ મંજુરી વગર માધાપરમાં ભાડાના વિસ્તારમાં અનેક બાંધકામો કરાયા છે. આ બાંધકામ વિરુદ્ધ પણ ભાડાએ 2015થી નોટીસો આપી છે છતાય કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી ત્યારે માધાપરના આ ગેરકાયદેસર બાંધકામ વિરૂદ્ધ પણ તંત્રએ કાર્યવાહી કરી અને વગર મંજુરીએ બાંધકામ કરનાર બિલ્ડરોને સબક શીખાવવો જોઇએ તેવી માંગ જાગૃતોમાંથી ઉઠી રહી છે.