માધાપર બિલ્ડર એસોસિએશનના પ્રમુખને અનઅધિકૃત બાંધકામ તોડી પાડવા નોટીસ
ભુજ : ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ દ્વારા હાલમાં જ મિરઝાપર રોડ સ્થિત આવેલ પાવર ફિટનેસ જીમને સીલ કરવામાં આવતા અનઅધિકૃત બાંધકામ કરનાર બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. માધાપરમાં પણ વગર પરવાનગીએ ભાડાના ડી.પી. રોડ પર અનેક કોમ્પલેક્ષ બની ગયા છે જેના વિરૂદ્ધ પણ ભાડા કાર્યવાહી કરશે તેવું જાણવા મળી રહ્યું છે. તેના વચ્ચે માધાપર ક્ષત્રિય સમાજવાડી પાસે થઈ રહેલ અનઅધિકૃત બાંધકામ વિરૂદ્ધ ભાડાએ નોટીસ કરી છે. આ બાંધકામ વિરુદ્ધ જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજુઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ભાડા દ્વારા તા. 21 ના નોટીસ ફટકારવામાં આવી છે.
નોટિસમાં થઈ રહેલ બાંધકામ બંધ કરવા તેમજ અનઅધિકૃત બાંધકામ સાત દિવસમાં તોડીપાડવા જણાવ્યું છે. આ બાંધકામ માધાપર બિલ્ડર એસોસિએશનના પ્રમુખનું હોવાનું બહાર આવ્યું છે. નોટીસ સામજી માસ્તરના નામે બજાવવામાં આવી છે જેઓની હાલમાં જ બનેલ માધાપર બિલ્ડર એસોસિએશનના પ્રમુખ તરિકે વરણી થઈ છે. ત્યારે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પોતે અનઅધિકૃત બાંધકામ કરી રહ્યા છે તો બીજા બિલ્ડરો બાંધકામના નિયમોનું પાલન કયાંથી કરશે તેવું જાગૃતોમાં ચર્ચાઇ રહ્યું છે.