ન્યાયતંત્રમાં સરકાર હસ્તક્ષેપ કરે છે : જસ્ટિસ ચેલમેશ્વર
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે. ચેલમેશ્વરે સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને એક પત્ર લખીને સરકાર દ્વારા ન્યાયતંત્રમાં કરવામાં આવતી દખલગીરી સામે પગલાં લેવાની માગણી કરી છે. ગત સપ્તાહે લખેલા એ પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે જણાવ્યું હતું આપણા પર ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ પર પોતાની સ્વતંત્રતા સાથે સમાધાન કરવાના અને આપણી સંસ્થાગત અખંડતા પર અતિક્રમણના આરોપ મૂકવામાં આવી રહ્યા છે. કાર્યપાલિકા હંમેશા ઉતાવળી હોય છે અને સક્ષમ હોવા છતાં તે ન્યાયતંત્રની અવજ્ઞા કરતી નથી. પણ સચિવાલયના વિભાગ પ્રમુખ સાથે જેવો વ્યવહાર કરવામાં આવે છે તેવો જ વ્યવહાર ચીફ જસ્ટિસ સાથે કરવામાં આવે એ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે. જસ્ટિસ ચેલમેશ્વરના જણાવ્યા અનુસાર, સરકારે કર્ણાટક હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરીનો સંપર્ક કર્યો હતો. એ કેસ સુપ્રીમ કોર્ટ કૉલિઝિયમની ભલામણો વિરુદ્ધ જિલ્લા અને સેશન જજ પી. કૃષ્ણા ભટના પ્રમોશન તથા તેમના વિરુદ્ધ તપાસનો આદેશ દેવા સંબંધી હતો. કર્ણાટકના બેલગાવીના જિલ્લા અને સેશન જજ પી. કૃષ્ણા ભટે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ. એમ. શશીકલાના દુર્વ્યવહાર સંબંધે એક રિપોર્ટ 2014માં હાઈ કોર્ટને મોકલ્યો હતો. એ સંબંધે વિજિલન્સ રિપોર્ટ તો દાખલ કરવામાં આવ્યો હતો, પણ 2016ના ફેબ્રુઆરી સુધી એ વિશે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
જજ ભટનું નામ પ્રમોશન માટે આગળ કરવામાં આવ્યું ત્યારે શશિકલાએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપોની તપાસ ચીફ જસ્ટિસ એસ. કે. મુખર્જીએ કરી હતી અને આક્ષેપો પાયાવિહોણા હોવાનું તેમણે તેમના અહેવાલમાં જણાવ્યું હતું. એ પછી સુપ્રીમ કોર્ટ કૉલિઝિયમે જજ ભટ સહિતના અન્ય છ ન્યાયમૂર્તિઓને હાઈ કોર્ટના જજ બનાવવાની ભલામણ કરી હતી. કેન્દ્ર સરકાર સિવાય બધાએ જજ ભટના પ્રમોશનને ટેકો આપ્યો હતો. જસ્ટિસ ચેલમેશ્વરે ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં આ બાબતને સરકાર દ્વારા તેના હિતમાં ‘ફાઇલ રોકી રાખવાનું’ આદર્શ ઉદાહરણ ગણાવ્યું હતું. જસ્ટિસ ચેલમેશ્વરે પત્રમાં લખ્યું છે, જેના વિશે ક્યારેય વિચાર્યું ન હતું એ પણ હવે થઈ ગયું છે. સરકારને જજ કૃષ્ણ ભટ સામે કોઈ વાંધો હતો તો તેમણે ભલામણ સામાન્ય પ્રક્રિયા અનુસાર, આપણી પાસે પરત મોકલવી જોઈતી હતી, પણ સરકારે એવું કરવાને બદલે ફાઇલ રોકી રાખી હતી. હવે કર્ણાટક હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિએ આપણને જણાવ્યું છે કે આ મામલે વિચારણા કરવા તેમણે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો છે. કર્ણાટક હાઈ કોર્ટના વડા ન્યાયમૂર્તિએ ખુદને સરકારના વફાદાર દેખાડતાં આ સંબંધે પગલું લીધું હતું, વહીવટી સમિતિની બેઠક યોજી હતી અને આ બાબતે ફરી તપાસનો નિર્ણય કર્યો હતો. આ રીતે તેમણે પહેલાં ચીફ જસ્ટિસની તપાસનાં તારણોને દબાવી દીધાં હતાં. (સૌજન્ય : બી.બી.સી ન્યુઝ)