કચ્છનો મુસ્લિમ સમાજ અહિંસક છે પણ નપુંસક નથી : હાજી જુમ્મા રાયમા
ગાંધીધામ : છેલ્લે થોડા સમયમાં અબડાસા તાલુકામાં ત્રણ દરગાહોને અસામાજિક તત્વોએ નુકશાન પહોંચાડતા મુસ્લિમ સમાજ ખુબજ રોષે ભરાયો છે. આ બાબતે મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમ્મા રાયમાએ કલેકટર સમક્ષ કચ્છની કોમી એકતાને પલીતો ચાંપવાની કોશીસ કરનાર અસામાજિક તત્વો વિરુધ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે કરછ જીલ્લો સમગ્ર વિશ્વમાં કોમી એકતા અને ભાઈચારા માટે જાણીતો છે. કચ્છ જીલ્લામાં હિન્દુ મુસ્લિમોએ એકબીજા માટે કુરબાની આપી હોવાના કિસ્સા આજે પણ કચ્છના ઇતિહાસમાં મૌજુદ છે. જયારે કોઈ અન્ય ધર્મની લાગણીને ઠેસ પહોંચે કે હિંદુ ભાઇઓને કોઈ તકલીફ થાય ત્યારે કચ્છના મુસ્લિમ સમાજના રાજકીય, ધાર્મિક અને સામાજિક આગેવાનો હંમેશા હિન્દુ સમાજના પડખે ઉભા રહ્યા છે. તાજેતરમાં અબડાસા તાલુકામાં દરગાહોને નુકસાન પહોંચાડવાની ત્રણ ઘટનાઓને અસામાજિક તત્વો દ્વારા અંજામ અપાયો છે.
અબડાસા તાલુકામાં 3 દરગાહોને તોડી પાડવા તેમજ ચાદર અને ધાર્મિક પુસ્તકોને આગ લગાડવાની ઘટના કચ્છ મુસ્લિમ સમાજ જરાય પણ સાંખી નહીં લે ‘કચ્છનો મુસ્લિમ સમાજ અહિંસક છે પણ નપુંસક નથી’ કચ્છ જીલ્લાનું વહીવટી તંત્ર આ બાબતની નોંધ લે અને તાત્કાલિક આવું કૃત્ય કરનાર ગુનેગાર કોણ છે ? આવું કૃત્ય કરવા પાછળ શું ઇરાદો છે ? આ તત્વોને કોણ છાવરી રહ્યું છે ? આ તમામ બાબતોની તાત્કાલિક તપાસ કરી ગુનેગારોને પકડી પોલીસ ધાંક બેસાડતી કાર્યવાહી કરે તે સમયની માંગ છે. આબડાસા તાલુકાનાં સુથરીમાં મીયા અબ્દુલ્લાની દરગાહ, મોથાળામાં નુરમામદ પીરની દરગાહ અને ભવાનીપરમાં લાલશા પીરની દરગાહમાં જે હિન કૃત્ય આચરવામાં આવ્યું તેમાં હજુ સુધી પોલીસે નક્કર કાર્યવાહી કરી નથી ફક્ત FIR કરીને બેસી રહી છે. ત્યારે આ ત્રણેય ઘટનાની સ્વતંત્ર ‘SIT’ ની રચના કરી તપાસ કરાવવામાં આવે અને પોલીસ તંત્ર ઉપરથી મુસ્લિમ સમાજનો ડગી ગયેલો વિશ્વાસ ફરી કાયમ થાય તેવું હાજી જુમ્મા રાયમાએ જણાવ્યું છે.